પ્રવાસનાં શોખીન લોકો માટે તેમના જેવા જ શોખ ધરાવતા લોકોને મળવાની કઈક મજા જ અલગ હોય છે. અને પરિવારમાં જ જો આવા લોકો મળી રહે તો પછી પૂછવું જ શું!? મારા મમ્મીના કુટુંબમાં છેલ્લા અમુક વર્ષોથી સૌ ગુજરાતમાં કે ગુજરાતની નજીકમાં પ્રવાસ કરતાં આવ્યા છે પણ અમે લોકો કોઈને કોઈ કારણોસર એમાં સામેલ થઈ શકતા નહોતા. વર્ષ ૨૦૧૮માં જ્યારે ફેમિલી ટ્રીપનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે જ નક્કી હતું કે આ વખતે તો ચોક્કસ જશું જ. મમ્મી, બે મામા અને એક માસી એમ ચાર પરિવારોના કૂલ ૧૩ સભ્યો એક સાથે પ્રવાસ કરવા જઇ રહ્યા હતા એ વાત જ બહુ રોમાંચક હતી. અને એનાથી પણ વધુ રોમાંચક હતું પ્રવાસનું સ્થળ- ગોવા!
ખાસ નવા ન કહી શકાય એવા ડેસ્ટિનેશન પર અમે સાવ યુનિક પ્રવાસ કર્યો. કોલેજના યુવક-યુવતીઓ જે સ્થળે જઈને મોજ-મસ્તી કરવાનું સપનું જોતાં હોય છે તેવા સ્થળ ગોવા ખાતે અમે ૧૮ થી ૫૬ વર્ષની વયજૂથના ૧૩ જણાએ જૂન ૨૦૧૮માં ૪ દિવસની ફેમિલી ટ્રીપનું આયોજન કર્યુ. અને તમે માનશો? ઈટ વોઝ અ સુપર ડુપર આઇડિયા!
બપોરના સમયે અમદાવાદથી મુંબઈની શતાબ્દી એક્સપ્રેસની એસી ચેર-કાર ટ્રેનમાં અમારી આ અનોખી સફરની શરૂઆત થઈ.. એક જ ટ્રેનના ડબ્બામાં અલગ અલગ સીટ્સ પર પોતાના જ કુટુંબીજનો ટ્રાવેલ કરી રહ્યા હોય તે કોને ન ગમે? રાત્રે અમે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા. ગોવા માટેની ટ્રેન તેજસ એક્સપ્રેસ બીજા દિવસે વહેલી સવારે છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઉપડવાની હતી. અમે એ શહેરમાં હતા જે ક્યારેય સૂતું નથી. અમે પણ શું કામ સૂઈએ? મોડી રાત્રે અમે સૌએ મરીન ડ્રાઈવનો લ્હાવો માણ્યો. સ્ટેશન પર પાછા ફર્યા બાદ વેઇટિંગ રૂમમાં પણ ખૂબ વાતો કરી.
દિવસ ૧
સવારે ૧૧.૩૦નાં સુમારે અમારી સવારી ગોવા પહોંચી. ગોવામાં ઓલા કે ઉબર જેવી ટેક્સીઓ ઉપલબ્ધ નથી એટલે સ્થાનિક ટેક્સી કરીને સાઉથ ગોવામાં અમારા રોકાણના સ્થળે પહોંચ્યા. ફેમિલી ટૂર તો જ સાર્થક કહેવાય જો બધા જ આખો દિવસ સાથે રહે. અમે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન ધરાવતો એક બંગલો બૂક કરેલો. ઘણાં જ મોકળાશવાળા આ મકાનનું જૂન ૨૦૧૮માં એક દિવસનું ભાડું ૭૫૦૦ રુ હતું. જો મોટું ગ્રુપ હોય તો રોકાણનો આ વિકલ્પ પ્રમાણમાં સસ્તો પણ છે અને સૌને સાથે રહેવાનો આનંદ પણ માણવા મળે છે.
બપોરે સૌએ ફ્રેશ થઈને આરામ કર્યો. થેપલાં અને ચાનું ભોજન લીધું અને આરામ કર્યો. સાંજે સૌ ચાલીને જ નજીકમાં આવેલા પાલોલેમ બીચ પર ગયા અને સનસેટની સુંદરતા માણી. અંધારું થયું ત્યાં સુધી સૌ બીચ પર જ રહ્યા. નજીકમાં જ આવેલી વેજ રેસ્ટોરાંમાં રાતનું ભોજન કરીને સૌ અમારા રોકાણનાં સ્થળે પાછા ફર્યા. મુસાફરીનો થાક હજુયે અકબંધ હતો એટલે તે રાતે સૌ વહેલા સૂઈ ગયા.
દિવસ ૨
ત્રણ દિવસ માટે અમે ત્રણ કાર ભાડે લીધી હતી અને આખો પ્રવાસ ગૂગલ મેપના સહારે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જ માણવાના હતા. એક કારનું એક દિવસનું ભાડું ૧૦૦૦ રુ હતું જેમાં પેટ્રોલ સમાવિષ્ટ નહોતું. અમે વેગેટર બીચની મુલાકાત લીધી. આ બીચમાં ઘણે અંદર સુધી ચાલી શકાય એમ હતું એટલે સૌ ગોઠણભર પાણી હતું ત્યાં સુધી દરિયે ઊભા રહ્યા અને ખારા પાણીના હિલોળા માણ્યા. ત્યાર પછી ‘દિલ ચાહતા હૈ’ ફોર્ટ તરીકે જાણીતા ચાપોરા ફોર્ટ ગયા. આ વિશાળ ફોર્ટમાં આમથી તેમ ટહેલવાની ખૂબ મજા આવી. અમારી આસપાસ ઘણાં પ્રવાસીઓ હતા પણ એક જ કુટુંબના આટલા બધા લોકો માત્ર અમે જ હતા. કેવું મજાનું!
દિવસ ૩
નોર્થ ગોવામાં અંજુના બીચ પર ધીમા વરસાદ વચ્ચે બીચ પર લટાર મારવાની તક મળી. પ્રમાણમાં ઘણો જ ચોખ્ખો બીચ હતો જેથી ત્યાં થોડો સમય બેસવાની પણ ખૂબ મજા આવી. નજીકમાં જ આવેલા કોઈ પુરાના કિલ્લા પર ચડવાનું એડવેન્ચર પણ માણ્યું.
દિવસ ૪
પણજી સિટીમાં આવેલા બે પ્રખ્યાત ચર્ચ Our Lady of the Immaculate Church અને Our Lady of the Immaculate Conception Church તેમજ ખ્યાતનામ આગોડા ફોર્ટની મુલાકાત લીધી. પણજી શહેરમાં આવેલી રેસ્ટોરાંમાં અમે સૌએ ગુજરાતી થાળીની જિયાફત માણી.
પ્રવાસનાં છેલ્લા દિવસે છૂટા પડવાના દુ:ખે મારી કઝિન રડી પડી હતી. ગોવામાં ફરવાના સ્થળોમાં વિશેષ નવીનતા ન હતી, પણ ૧૩ કુટુંબીઓ એક સાથે એક ઘરમાં રહે અને સૌ સાથે ફરવા જાય એ એક અનેરો અનુભવ હતો. ગૂગલ મેપના આધારે ફરતા હોવાથી ત્રણેય કાર એક સાથે રહે એની ઘણી જ ભેજામારી કરી. દરેક જગ્યાએ પુષ્કળ ફોટોગ્રાફ્સ પાડયા. રોજ રાતે પાછા ફરીને અમે સૌ ગેમ્સ રમતા અને ખૂબ મસ્તી કરતાં. રસોડામાં પાયાની સવલતો ઉપલબ્ધ હતી એટલે કોઈ વખત બહાર જમવા જવાની ઈચ્છા ન હોય તો મોટા તપેલામાં બધા માટે મેગી બનાવીને ખાધી. બહેનોએ રોજ કેવું ડ્રેસિંગ કરવું એની ચર્ચાઓ કરી. ફેમિલી ગોસિપ વગર તો ફેમિલી ગેધરિંગ અધૂરું કહેવાય.
કોવિડ-૧૯ પછી પરિસ્થિતિ પૂર્વવત થયા બાદ તમારા પરિવારજનો સાથે ક્યાંય જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ગોવા વિષે ચોક્કસ વિચારશો. અમારી ગોવાની ફેમિલી ટ્રીપ એક શાનદાર, યાદગાર ટ્રીપ બની રહી, અને કેમ ન બને? અસલી મઝા સબ કે સાથ આતા હૈ!