દુનિયાભરમાં એક એકથી ચઢિયાતી હોટલ જોવા મળે છે જે જોવામાં ઘણી સુંદર હોય છે. હળવાશની બે પળ વિતાવવા કે શહેરથી બહાર ક્યાંક ફરવા જવું હોય તો સૌથી પહેલા હોટલની જ શોધ કરવામાં આવે છે. જો કે આજના સમયમાં ઑનલાઇન સુવિધા મળવાના કારણે લોકો અગાઉથી જ પોતાને જ્યાં રોકાવું હોય તે જગ્યાનું બુકિંગ કરી લેતા હોય છે. હોટલની પસંદગી કરતી વખતે મોટાભાગના લોકો પહેલા એ જુએ છે કે ત્યાંનું લોકેશન કેવું છે, ત્યાં કેટલી શાંતિ છે અને જો હોટલ પહેલીવારમાં જ પસંદ પડી જાય તો મન ખુશ અને દિલ બાગ બાગ થઇ જાય છે.
અમે આજે આપને એક એવી સુંદર હોટલ અંગે જણાવી રહ્યા છીએ જે અંગે કદાચ જ તમે પહેલા સાંભળ્યું હોય. આ હોટલ ન તો પહાડોના લીલાછમ મેદાનો પર છે અને ન તો તેનો પાયો જમીન પર છે. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે હોટલ છે ક્યાં? તો આપને જણાવી દઇએ કે આ પાણી પર તરતી હોટલ છે, આવો આ અંગે તમને વિસ્તારથી જણાવીએ...
દુબઇ પોતાની બહુમાળી ઇમારતો, સુંદર આધુનિક માનવ નિર્મિત ટાપુઓ અને દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્ઝ ખલીફા માટે પ્રસિદ્ધ છે. પરંતુ હવે અહીં તરતી હોટલ પણ બનાવાઇ રહી છે. આ હોટલ સમુદ્રમાં તરતી રહેશે. આને સમુદ્રની તેજ લહેરો પણ હલાવી નહીં શકે. આવો જાણીએ આ હોટલની ખાસિયતો વિશે....
આ હોટલને બનાવવામાં અંદાજે 1212 કરોડ રુપિયાનો ખર્ચ થશે. આ હોટલનું નામ છે ફ્લોટિંગ સી પેલેસ એન્ડ રિસોર્ટ (Floating Sea Palace and Resort). મુખ્ય હોટલની તરતી બિલ્ડિંગમાંથી છ તરતા ગ્લાસ બોટ વિલા (Glass Boat Villa) પણ જોડાયેલા હશે. આની પર જવા માટે તરતો પુલ હશે. બાકી તમે કિનારાથી સીધા પોતાના વિલામાં સ્પીડ બોટ દ્ધારા પણ જઇ શકો છો.
સમુદ્રની તેજ લહેરો આને હલાવી નહીં શકે કારણ કે તેમાં શાફ્ટ મોટર્સ લાગેલી છે જે લહેરોની ગતિ અને ઊંચાઇને સહન કરી લેશે. હોટલને દુબઇના મરીના કિનારાની પાસે બનાવાઇ રહ્યું છે. હોટલનું નેપચ્યૂન નામનું એક ગ્લાસ બોટ વિલા સંપૂર્ણ રીતે બની ગયું છે.
આને બનાવનારી કંપની બારાવી ગ્રુપના સીઇઓ મોંહમદ અલ બારાવીએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું કે હોટલનું 95 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આવતા એક મહિનામાં બાકી બચેલું કામ પૂર્ણ થઇ જશે. નેપચ્યૂન ગ્લાસ બોટ વિલા યુએઇના ભારતીય બિઝનેસમેન બલવિંદર સાહનીએ ખરીદ્યું છે.
નેપચ્યૂન ગ્લાસ બોટ વિલામાં બે ફ્લોર છે. બહારની બાજુ એક સ્વીમિંગ પૂલ છે. દરેક ફ્લોર 300 ચોરસ મીટરની છે. પહેલા માળે ચાર બેડરુમ છે. દરેક ગ્લાસ બોટ વિલા ઇકોફ્રેન્ડલી બનાવાઇ છે. તેની અંદર ઓટોમેટિક એર સિસ્ટમ લાગેલી છે જે સમુદ્રી હવાને સાફ કરીને ઘરની અંદર મોકલશે. સૌર ઉર્જા વિજળી મળશે અને કચરાનું રિસાઇક્લિંગ કરવાની સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
જાણો શું છે આ વિલાની ખાસિયત
હાઉસ બોટ જેવા વિલામાં એક થી લઇને ચાર બેડ રુમ, ઇન્ફિનિટી પૂલ અન ટેરેસ હશે. તેમાં સ્માર્ટ હોમની બધી ખાસિયતની સાથે શાનદાર બારીઓ હશે. પ્રાપ્ત જાણકારી અનુસાર વિલાને પર્યાવરણની રીતે અનુકૂળ હોય તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સૌર પનલ પણ લાગેલી હશે. ખાસ વાત એ છે કે પૈસા ખર્ચ કરીને તેની કોઇ પણ ચીજને ખરીદી કે રેન્ટ પર લઇ શકાય છે.
156 રુમની હોટલ
આ હોટલમાં કેન્દ્રીય ભાગમાં 156 રુમ હશે. હોટલ સ્થાયી રીતે ક્યાય નહીં રોકાય. મુખ્ય હોટલને ચાર ભાગમા વિભાજીત કરવામાં આવી છે, બધા એક બીજા સાથે જોડાયેલા હશે. તરતા એન્જિનવાળા વિલામાં નાવિક માટે એક નાનકડી કેબિન હશે. હોટલ નાવિકની વ્યવસ્થા કરશે. પરંતુ મહેમાન ઇચ્છે તો સ્વયં નાવિક નિયુક્ત કરી શકે છે.
સ્વીડનમાં પણ છે આવી હોટલ
સ્વીડનમાં પણ પાણી પર તરતી હોટલ છે જે તેના લેપલેન્ડ (Lapland) ક્ષેત્રમાં રહેલી છે, આ હોટલને લ્યૂલ નદી (Lule river) પર બનાવાઇ છે. ઘણી સુંદર દેખાતી આ હોટલનું નામ ધ આર્કટિક બાથ (The Arctic Bath) છે.
કરવું પડે છે એડવાન્સ બુકિંગ
“ધ આર્કટિક બાથ” નામની આ હોટલમાં રોકાવા માટે અંદાજે એક વર્ષ પહેલા જ એડવાન્સ બુકિંગ કરવુ પડે છે. અહીં ખાણીપીણીની સાથે સાથે સ્પાની પણ સુવિધા પ્રાપ્ત થાય છે. હોટલની ચારે બાજુ પાણી જ પાણી હોવાના કારણે આસપાસનો નજારો ઘણો જ સુંદર લાગે છે.
આ છે ધ આર્કિટક બાથની ખાસિયત
પાણી પર તરતી આ હોટલ પોતાની ખાસિયતો માટે પણ ઘણી પ્રસિદ્ધ છે. ગરમીની સીઝનમાં આર્કટિક બાથ નદી પર તરતો રહે છે. તો ઠંડીની ઋતુમાં નદી બરફ થઇ જવાના કારણે હોટલ પણ તરવાના બદલે જામી જાય છે.
હોટલ પહોંચવા માટે લાકડાનો રસ્તો
નદીમાં તરતી આ હોટલ સુધી પહોંચવા માટે લાકડાનો રસ્તો બનાવાયો છે. આ ઉપરાંત હોટલ સુધી પહોંચવા માટે બોટનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં, હોટલ પહોંચવા માટે એરપોર્ટથી કાર કે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરી શકાય છે.
એક દિવસ રોકાવાનું છે આટલું ભાડું
સુંદર નજારાવાળી ધ આર્કટિક બાથ હોટલ 12 રુમની છે. વર્ષ 2018માં તેને બનાવવાનું કામ શરુ થયું હતું. જેની ડિઝાઇન જોહાન કોપ્પી અને આર્કિટેક્ટ બર્ટિલ હૈરસ્ટ્રૉમે બનાવી છે. મહત્વનું છે કે આ હોટલમાં એક દિવસ રોકાવા માટે 815 પાઉન્ડ એટલેકે લગભગ 75 હજાર રુપિયા ખર્ચ કરવા પડે છે.
જોવા મળશે ગજબનો નજારો
ધ આર્કટિક બાથ હોટલ જોવામાં જેટલી સુંદર છે એટલી જ તેની આસપાસનો નજારો પણ છે. તમે તેની આસપાસ રીંછ જોઇ શકો છો. એટલું જ નહીં આ જગ્યા હોર્સ રાઇડિંગ અને નેચરલ ફોટોગ્રાફી માટે સારી ગણાય છે. આ ઉપરાંત, તમે નોર્ધન લાઇટ્સ (Northern Lights)ના નજારાનો પણ અહીંથી આનંદ માણી શકો છો.
તમને જાણકારી માટે જણાવી દઇએ કે અડધી રાતના સમયે જ્યારે ગેસના કણો પર સૂર્યનો પ્રકાશ પડે છે તો આકાશમાં રંગ-બેરંગી રોશની જગમગવા લાગે છે. તેને નૉર્ધન લાઇટ્સ કહેવાય છે. તેનો આકાર 20 થી 640 કિલોમીટર સુધીનો હોય છે. આવા સ્થાન પર છ મહિના સુધી દિવસ અને છ મહિના સુધી રાત રહેતી હોય છે.