કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ

Tripoto
Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ 1/1 by Paurav Joshi

ગુજરાતમાં દારુબંધી હોવાથી ત્રણ સ્થળો ગુજરાતીઓમાં ફેવરિટ છે. એક આબુ, બીજું દીવ અને ત્રીજું દમણ. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકો માટે આબુ, સૌરાષ્ટ્રવાસીઓ માટે દીવ અને સુરતીઓ માટે દમણ. જો તમે વિકેન્ડ્સમાં આ ત્રણ જગ્યાએ જાઓ તો ત્યાં તમને ગુજરાતીઓ જ જોવા મળશે. માત્ર દારુ કે બીયર પીવા માટે જ નહીં પરંતુ ફરવા માટે પણ હોલી ડે કે નવા વર્ષે લોકો આ ત્રણ જગ્યાએ અવશ્ય જાય છે. હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે તો તમારે ગોવા ન જવું હોય તો મીની ગોવા તરીકે ઓળખાતા દીવ જરુર જવું જોઇએ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણનું નામ મોટાભાગે એકસાથે લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં દીવ અને દમણ વચ્ચે 650 કિલોમીટરનું અંતર છે.

દીવનો ઇતિહાસ

Photo of Diu, Daman and Diu, India by Paurav Joshi

ઇસ.1953 સુધી ગોવા, દમણ અને દીવની પ્રજા સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય પ્રવાહથી અલગ રહી અને તેનું કારણ જોઇએ તો ઇ.સ.1539માં પોર્ટુગીઝ ગર્વનર નોરોંયાં સાથે થયેલી સંધિ પ્રમાણે દીવમાં પોર્ટુગીઝ શાસન હતું. પરંતુ આ પ્રદેશની ભાષા ગુજરાતી, સંસ્કૃતિ હિંદુ અને અન્ય વસતી પણ ભારતીય સંસ્કૃતિના પરિવેશમાં જ હતી જેથી ઇ.સ.1953માં સ્વાતંત્ર્યની લહેર ઉઠવા માંડી અને ઇ.સ.1961માં ડિસેમ્બરની 19 તારીખે દીવ પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયું. દિવ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.

જોવાલાયક સ્થળો

દીવ ફોર્ટ

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

પોર્ટુગીઝોએ ભારતમાં સુરત, દીવ, દમણ, કેરાલા સહીત અનેક શહેરમાં કિલ્લાઓ બાંધ્યા છે, પરંતુ દીવનો કિલ્લો વિશાળ અને ક્ષતિરહિત છે. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝોએ બનાવેલા આ કિલ્લાનો તેઓ યુદ્ધની કુનેહો માટે ઉપયોગ કરતા. ભવ્ય કિલ્લામાં મુકેલી તોપો જાણે હજુએ એ સમયની શક્તિ અને સાહસના પડઘા પાડે છે. દીવ ફોર્ટ પરથી અરબી સમુદ્રનો નજારો ૧૮૦ ડીગ્રીના એન્ગલથી જોવા મળે છે.

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

ફોર્ટ પરથી સામે દેખાતી સમુદ્રની વચ્ચે આવેલ સબ-જેલ હકીકતમાં પાનીકોટા કિલ્લો છે. સ્થાનિક લોકો તેને ફોર્ટીમ ડો માર તરીકે ઓળખાવે છે. સિમ્બરની ખાડીમાં નાના ટાપુ પર આવેલ આ કિલ્લાનો હવે જેલ તરીકે ઉપયોગ થાય છે, જો કે હાલમાં આ જેલમાં કોઈ કેદી નથી. કિલ્લાની સામે લાઈટ હાઉસ આવેલું છે, જે રાતના સમયે રોશનીથી ઝગમગે ત્યારે કિલ્લા, સમુદ્ર અને લાઈટ હાઉસનો અદ્ભુત નજારો જોવા મળે છે.

સેન્ટ પોલ ચર્ચ

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

દીવનું બીજું આકર્ષણ છે સેન્ટ પોલ ચર્ચ. ગોઆમાં આવેલ બાસ્લિકા ઓફ બોમ જિસસ ચર્ચ જેવું જ આર્કીટેક્ચર હોવા છતાં તેનું સફેદ રંગનું બાંધકામ સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ચર્ચના નિર્માણમાં દસ વર્ષ લાગ્યા હતા. તેની બાજુમાં જ સેન્ટ થોમસ ચર્ચ આવેલું છે, સુંદર બાગ અને ફાઉન્ટેનના રસ્તે પગથીયાઓ બનાવી ચર્ચનો પ્રવેશદ્વાર બનાવ્યો છે. ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલ આ ચર્ચને હવે મ્યુઝીયમમાં રૂપાંતર કરી નાખવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન શાસકો અને ખ્રિસ્તી સંતોની કોતરણી કરેલ મધ્યમ કદની મૂર્તિઓ, લાકડાના કોતરણી કામના નમુના અને પત્થરના શિલાલેખો મુકવામાં આવ્યું છે.

ગોમતીમાતા બીચ

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

મોટાભાગના ટૂરિસ્ટ દીવના નાગોઆ બીચની મુલાકાત લેતા હોય છે પરંતુ ગોમતીમાતા બીચની પણ ખાસ મુલાકાત લેવી જોઈએ. અહીં તમને અદ્દભુત સૂર્યાસ્તનો નજારો જોવા મળશે. દીવના વાંકબારા ગામ પાસે આવેલા આ બીચ પર તમને ઘણાં દરિયાઈ જીવો જોવા મળશે. અહીં તમને કલરફુલ કરચલાના પણ દર્શન થશે. આ દરિયામાં નાહવાનું ટાળો તો સારું છે.

નાઈડા કેવ્સ

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

દીવ આવતા ઘણાં ઓછા લોકો નાઈડા કેવ્સની મુલાકાત લેતા હોય છે, પરંતુ દીવ ફોર્ટ નજીક આવેલા આ સ્થળની વહેલી સવારે મુલાકાત લેવી જોઈએ. જો ફોટોગ્રાફીનો શોખ હોય તો વહેલી સવારે સૂર્યોદયના સમયે અહીં પહોંચી જજો. ગુફાની દીવાલો વચ્ચે ખાલી રહેતી નાનકડી જગ્યામાંથી આવતા સૂર્યના કિરણોથી ગુફામાં પ્રકાશનો અદ્ભુત નજારો બને છે. કુદરતની અદ્ભુત અજાયબી સમાન નાઈડા ગુફા જોવા માટે સવાર અથવા બપોરનો સમય શ્રેષ્ઠ છે.

સી શેલ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ નેવી કેપ્ટન દેવજીભાઈ વિરા ફુબલારીઆએ બનાવડાવ્યુ હતું, તેમણે અનેક પ્રકારના આવા શેલ ભેગા કર્યા હતા અને અહીં મુક્યા છે. અહીં લગભગ 3000 પ્રકારના શેલ જોવા મળશે.

આઈ.એન.એસ. કુફરી

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

આઈ.એન.એસ. કુફરી એ વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકીસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું નાનું મેમોરીયલ છે. તો ચક્રતીર્થ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સરુના વૃક્ષોથી અદ્ભુત ચક્રતીર્થ બીચ ખુબ સુંદર અને શાંત છે અહીં ન્હાવાની મજા આવે છે.

ગંગેશ્વર મહાદેવ મંદિર

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

કહેવાય છે કે પાંડવોએ પોતાના અજ્ઞાત વાસમાં અહીં આવીને મહાદેવની આરાધના કરી હતી. અહીં સમુદ્રદેવ શીવલિંગ પર જળાભિષેક કરતાં હોય એ રીતે સમુદ્રના મોજાઓ શિવલિંગ પર અફળાય છે. જે આ મંદિરને વિશેષ બનાવે છે.

નાગવા બીચ

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

દીવના દરેક દરિયા કિનારાઓમાં નાગવા બીચ અલગ તરી આવે છે. નાગવા બીચ પર અનેક સહેલાણીઓ વોટર એડવેન્ચર અને અન્ય એક્ટિવિટીઝ માટે આવે છે. સમુદ્રની સામે જ બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે જ્યાં પ્રવાસીઓ ન્હાઈને સી ફૂડ, નોન વેજ કે વેજ ફૂડ માણી શકે છે.

ટુ-વ્હીલર રેન્ટ પર લઈ લો

જો તમે દીવ શહેર એક્સપ્લોર કરવા માંગો છો તો ગોવાની જેમ દીવમાં પણ તમે બાઈક-એકટીવા રૂ.૩૦૦-૪૦૦ના વ્યાજબી દરે ભાડેથી લઈને ફરી શકો છો. રિક્ષામાં ફરવુ મોંઘુ પડી શકે છે. તમે જે હોટેલમાં રોકાયા હોવ ત્યાંથી અથવા તો નજીકના કોઈ પણ રેન્ટિંગ પોઈન્ટ પરથી તમે વાહન લઈ શકો છો.

ક્યાં રહેશો

Photo of કોરોના કાળમાં ગોવા સુધી લાંબા ન થવું હોય તો દીવ જઇ આવો, બધુ ભુલીને દરિયાના મોજા સાથે કરો મોજ by Paurav Joshi

દીવમાં ઘણી હોટલો છે. નાગોઆ બીચ નજીકની હોટલ કે રિસોર્ટ પ્રમાણમાં મોંઘા છે. ફોર્ટ વિસ્તારમાં સસ્તી હોટલો છે. જો કે તમે હોમસ્ટેમાં પણ રોકાઇ શકો છો. હોમસ્ટેમાં પ્રમાણમાં પૈસા પણ ઓછા ખર્ચ થશે અને તમને સુવિધાઓ પણ પૂરતી મળી રહેશે.

કેવી રીતે જશો

અમદાવાદથી દીવનું અંતર 366 કિલોમીટર છે. અમરેલી અને કોડિનાર થઇને દીવ જઇ શકાય છે. રાજકોટથી દીવ 233 અને જુનાગઢથી દીવ 151 કિલોમીટર દૂર છે. અમદાવાદથી દિવ પહોંચતા લગભગ 8 થી 9 કલાક થાય છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જે 90 કિલોમીટર દૂર છે. દીવમાં એરપોર્ટ છે. અમદાવાદથી ફ્લાઇટ મળી રહેશે.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી દીવ જતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads