ઉત્તર ભારતના સૌથી મહત્વપૂર્ણ કિલ્લામાંનો એક ચિત્તોડગઢનો કિલ્લો રાજપૂતોના સાહસ, શોર્ય, ત્યાગ, બલિદાન અને મોટાઇનું પ્રતિક છે.
ઇતિહાસ
આ કિલ્લાનું નિર્માણ 7મી શતાબ્દીમાં મોર્ય શાસકો દ્ધારા કરવામાં આવ્યું હતું. અંદાજે 700 એકરની જમીનમાં આ વિશાળ કિલ્લો પોતાની ભવ્યતા, આકર્ષણ અને સુંદરતાના કારણે વર્ષ 2013માં યૂનેસ્કો દ્ધારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.
અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ
ઇસ.1303માં અલાઉદ્દીન ખિલજીએ આ કિલ્લા પર આક્રમણ કર્યું હતું. હકીકતમાં, રાણી પદ્માવતીની સુંદરતાથી મોહત થઇને ખિલજી તેને પોતાની સાથે લઇ જવા માંગતો હતો પરંતુ રાણી પદ્માવતી એ સાથે આવવાની ના પાડતા ખિલજીએ કિલ્લા પર આક્રમણ કરી દીધું હતું. ત્યારપછી રાજા રતન સિંહે ખિલજીનો મુકાબલો વીરતા અને સાહસની સાથે કર્યો પરંતુ તેમને આ યુદ્ધમાં પરાજીત થવું પડ્યું. નિર્દયી શાસક અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધમાં હાર થવા છતાં રાણી પદ્માવતીએ હિંમત ન હારી અને તેણે રાજપૂતોની શાન, સ્વાભિમાન અને પોતાની મર્યાદા ખાતર કિલ્લાની અંદર વિજય સ્તંભની પાસે લગભગ 16000 રાણીઓ, દાસીઓ તેમજ બાળકોની સાથે સામૂહિક જૌહર એટલે કે અગ્નિસ્નાન કરી લીધું હતું. આજે આ જગ્યાને જૌહર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતના બહાદુર શાહે કર્યું આક્રમણ
ઇસ.1535માં ગુજરાતના શાસક બહાદુર શાહે વિક્રમજીત સિંહને હરાવીને આ કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યો. ત્યારે રાજ્યની રક્ષા માટે રાણી કર્ણાવતીએ તે સમયે દિલ્લીના શાસક હુમાયૂને રાખડી મોકલીને મદદ માંગી, તેમજ દુશ્મન સેનાની આધીનતા ન સ્વીકારતા 13 હજાર રાણીઓની સાથે ”જૌહર” કર્યું હતું.
મુગલ શાસક અકબરે પણ કર્યું ચિત્તોડગઢ પર આક્રમણ
મુગલ શાસક અકબરે ઇસ.1567માં ચિત્તોડગઢના કિલ્લા પર હુમલો કરી પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. રાજા ઉદયસિંહે અકબર સામે સંઘર્ષ ન કર્યો અને ત્યાર બાદ ત્યાંથી પલાયન કર્યું અને પછી ઉદયપુર શહેરની સ્થાપના કરી.
ચિત્તોડગઢ કિલ્લાની અનોખી વાસ્તુકલા
ચિત્તોડગઢનો કિલ્લો 700 એકરમાં અને 13 કિલોમીટરના વિશાળ પરિઘમાં ફેલાયેલો છે. આ કિલ્લો ગંભીરી નદીની પાસે અને અરવલ્લી પર્વતના શિખરે સપાટીથી 180 મીટરની ઊંચાઇ પર બનેલો છે. આ કિલ્લામાં પ્રવેશવા માટે પેડલ પોલ, ગણેશ પોલ, લક્ષ્મણ પોલ, ભેરવ પોલ, જોરલા પોલ અને રામ પોલ એમ 7 અલગ અલગ પ્રવેશ દ્ધારમાંથી પસાર થવું પડે છે.
આ કિલ્લાની અંદર સંમિદેશ્વરા મંદિર, મીરાબાઇ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, શ્રુંગાર ચૌરી મંદિર, જૈન મંદિર, ગણેશ મંદિર, કુંભ શ્યામ મંદિર, કલિકા મંદિર અને વિજય સ્તંભ (કિર્તિ સ્તંભ) પણ શોભાયમાન છે. આ ઉપરાંત, કિલ્લાની અંદર રાણા કુંભા, પદ્મમિની અને ફતેહ પ્રકાશ મહેલ આવેલો છે જે તેની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા છે.
ચિત્તોડગઢ કિલ્લાની અંદરના મુખ્ય આકર્ષણ
વિજય સ્તંભ
વિજય સ્તંભને માળવાના સુલતાન મહમૂદ શાહની ખિલજી ઉપરની જીતના જશ્નમાં બનાવાયો હતો. આ અનોખી વાસ્તુશૈલીથી નિર્મિત સ્તંભને શક્તિશાળી રાણા કુંભા દ્ધારા બનાવાયો હતો. અંદાજે 37.2 મીટર ઊંચી આ અદ્ભુત સંરચનાના નિર્માણમાં અંદાજે 10 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો.
કિર્તિ સ્તંભ (ટાવર ઓફ ફ્રેમ)
22 મીટર ઊંચા આ અનોખા સ્તંભનું નિર્માણ જૈન વેપારી જીજાજી રાઠૌર દ્ધારા કરવામાં આવ્યું હતું. પહેલા જૈન તીર્થંકર આદિનાથને સમર્પિત આ સ્તંભને જૈન મૂર્તિઓથી ઘણી જ શાનદાર રીતે સજાવાયો છે. આ ભવ્ય મીનારની અંદર અનેક તીર્થંકરોની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
રાણા કુંભા મહેલ
આ અતિ રમણીય મહેલ વિજય સ્તંભના પ્રવેશ દ્ધારની પાસે આવેલો છે. ઉદયપુર નગરી વસાવતા પહેલા રાજા ઉદય સિંહનો જન્મ આ જ મહેલમાં થયો હતો. રાણા કુંભા મહેલમાં મુખ્ય પ્રવેશ દ્ધાર સૂરજ પોલના માધ્યમથી પણ પ્રવેશી શકાય છે. આ મહેલમાં અનેક સુંદર મૂર્તિઓ રાખવામાં આવી છે.
રાણી પદ્મિની મહેલ
રાજસ્થાનની શાન ગણાતા ચિત્તોડગઢના કિલ્લામાં આ સુંદર અને આકર્ષક મહેલ છે. પદ્મિની પેલેસ આ કિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલો છે. પદ્મિની મહેલ એક ત્રણ માળની ઇમારત છે, જેના શીર્ષને મંડપ દ્ધારા સજાવવામાં આવ્યો છે. આ મહેલ પાણીથી ઘેરાયેલો છે. 19મી સદીમાં પુર્નનિર્મિત આ આકર્ષક મહેલ પર અલાઉદ્દીન ખિલજીએ રાણી પદ્માવતીને પોતાની એક ઝલક બતાવવાની મંજૂરી આપી હતી.
કુંભશ્યામ મંદિર
ભારતના આ સૌથી વિશાળ કિલ્લાની દક્ષિણ ભાગમાં મીરાબાઇને સમર્પિત કુંભશ્યામ મંદિર બનેલું છે.
કિલ્લો જોવાનો સમય
ચિત્તોડગઢ ફોર્ટ જોવાનો સમય સવારે 9 થી સાંજે 6 સુધીનો છે. જેની એન્ટ્રી ટિકિટ 15 રૂપિયા છે. ફોરેનર્સ માટે 200 રૂપિયા છે. લેઝર અને સાઉન્ડ શો સાંજે 7થી 8ની વચ્ચે થાય છે જેમાં પ્રવેશ ફી 50 રૂપિયા છે. બાળકો માટે 25 રૂપિયા ટિકિટ છે. મ્યૂઝિયમ સોમવારે બંધ રહે છે.
નજીકનું એરપોર્ટ, રેલવે સ્ટેશન
ઉદેપુરથી ચિત્તોડગઢ 116 કિલોમીટર દૂર છે. ઉદેપુર એરપોર્ટથી ચિત્તોડગડ ફોર્ટનું અંતર 98 કિલોમીટર છે. ચિત્તોરગઢમાં રેલવે જંકશન છે પરંતુ જો તમારે ગુજરાતથી ચિત્તોરફોર્ટ જવું હોય તો ઉદેપુર રેલવે સ્ટેશન જ જવું પડશે ત્યાંથી લોકલ ટ્રેન કે બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા ચિત્તોડગઢ જઇ શકાશે.
રોડ દ્ધારા
અમદાવાદથી ચિત્તોડગઢ કિલ્લાનું અંતર 374 કિલોમીટર છે જ્યારે ઉદેપુરનું અંતર 216 કિલોમીટર છે. ઉદેપુર સુધી ટ્રેન, બસ કે પ્લેનમાં આવીને ત્યાંથી ચિત્તોડગઢ ફોર્ટ જઇ શકાય છે. પ્રાઇવેટ વાહન હોય તો સીધા ચિત્તોડગઢ જવાય. જો કે ઉદેપુર થઇને જવું સારુ, કારણ કે ઉદેપુરમાં પણ જોવાલાયક અનેક સ્થળો છે તેથી બે કે ત્રણ દિવસની ટૂર માણી શકાય.
રહેવાની વ્યવસ્થા
ઉદેપુરમાં 300 રૂપિયાના ગેસ્ટ હાઉસ અને ગુજરાતી સમાજથી લઇને ફાઇવ સ્ટાર હોટલ સુધીની રહેવાની વ્યવસ્થા છે. તમારા બજેટમાં તમને હોટલ મળી રહે છે.
કઇ સીઝનમાં જશો
શિયાળાની સીઝન રાજસ્થાન ફરવા માટે બેસ્ટ ગણાય છે. ઓક્ટોબરથી માર્ચ સુધી ફરવા જવાનો બેસ્ટ સમય છે. જો કે હાલ કોરોનાનું સંક્રમણ ચાલતુ હોવાથી ઇન્ક્વાયરી કરીને જ જવુ જેથી ધક્કો ન પડે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.