મહારાષ્ટ્રમાં હવાખાવાના સ્થળની વાત આવે તો મહાબળેશ્વર, પંચગીની કે લોનાવાલા જ યાદ આવે, પરંતુ મુંબઈથી ૧૦૮ કી.મી દુર આવેલું માથેરાન પણ યાત્રીઓ માટે નિરાંત મેળવવાનું સ્થળ છે. અહીં પ્લાસ્ટિક અને વેહિકલના વપરાશ પર પ્રતિબંધ હોવાથી તમને પોલ્યુશન ફ્રી વાતાવરણ જોવા મળશે. આ રમણીય હિલ સ્ટેશન જે તેના કુદરતી સૌંદર્ય, લાલ માટી, બજારમાં મળતી કલાત્મક વસ્તુઓ અને Toy Train માટે ભારતભરમાં પ્રખ્યાત છે. માથેરાન જવા માટે ચોમાસાથી લઇને ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ ગણાય છે. અમે કુલ 6 મિત્રોએ ફેબ્રુઆરી મહિનામાં માથેરાન જવાનો પ્લાન બનાવ્યો.
ટોય ટ્રેનની સફર
દિલ્હીથી પુના જતી ટ્રેનમાં અમે 6 મિત્રો વડોદરાથી રાતે 10 વાગે બેઠા. આખી રાત ટ્રેનમાં પસાર કરવાની હોવાથી ટાઇમ પાસ માટે થોડોક સમય અંતાક્ષરીની મોજ માણી. બીજા કમ્પાર્ટમેન્ટના પ્રવાસીઓ પણ અમારી સાથે અંતાક્ષરીમાં જોડાયા. થોડોક સમય પત્તા પણ રમ્યા. સવારે લગભગ 5.30 કલાકે અમે નેરલ સ્ટેશને ઉતર્યા. નેરલ સુધી રેલવેની બ્રોડગેજ લાઇનનો લાભ તમને મળે છે. નેરલથી માથેરાન જવા માટે તમારે ટોય ટ્રેનમાં બેસવું પડે છે. ટોય ટ્રેનમાં માથેરાન સુધીનું 21 કિ.મી.નું અંતર કાપતા લગભગ દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. નેરલથી દર કલાકે માથેરાન જવા માટે ટ્રેન મળે છે. નેરલથી ટેક્સી દ્ધારા પણ માથેરાન જઇ શકાય છે. પરંતુ તે તમને દસ્તુરી નાકા સુધી જ લઇ જશે. ત્યાંથી 2 કે 3 કિલોમીટર ચાલીને કે ઘોડા પર માથેરાન જવું પડશે.
હવે આ Toy ટ્રેન વિશે થોડુંક જાણી લઇએ તો આને ‘માથેરાનની રાણી’ પણ કહેવામાં આવે છે. આ ટ્રેન લગભગ 111 વર્ષ જૂની છે અને તેના 21 kmના રુટમાં 280 થી વધુ વળાંકો આવેલા છે. ટ્રેન નેરોગેજ પર ચાલે છે અને લગભગ 6 ડબ્બા જોડવામાં આવ્યા છે. દરેક ડબ્બામાં 20 થી 24 લોકો બેસી શકે છે. આ ટ્રેનના route પર 3 નાના સ્ટેશન‘જુમ્માપટ્ટી’, ‘વૉટર પાઈપ’ અને ‘અમન લોજ’ આવે છે. ચોમાસામાં ત્રણ મહિના સુરક્ષાના કારણોસર ટ્રેન બંધ રહે છે.
અમે બધા મિત્રો સમયસર પોતાની સીટ પર ગોઠવાઈ ગયા અને પછી ટ્રેન ઉપડી. શરૂઆતમાં લગભગ 1-2 km ટ્રેન સપાટ જમીન પર જ ચાલે છે અને પછી અચાનક ઉપર ચઢવાની શરૂઆત કરે છે. પછી તમે કુદરતના સુંદર નજારાને જોઈને અભિભૂત થઇ જાઓ છે. લીલીછમ ચાદર પાથરી હોય તેવા ખીણના દ્રશ્યોને જોઇને નજર હટાવવાનું મન જ નથી થતું. અમે મિત્રો સતત આ નજારાને જોઇ રહ્યા હતા અને તેને પોતાના કેમેરામાં કંડારી રહ્યા હતા. સવાર સવારમાં પર્વતની આજુબાજુ ઊગેલા નાના નાના છોડવાઓ જાણે આળસ મરડીને ઊભા થતા હોય એવું લાગે છે. ચારેકોર બસ નિરવ શાંતિ. મન પ્રફુલ્લિત થઇ જાય છે. Toy ટ્રેનના રસ્તામાં એક નાની ગુફા એટલે કે ટનલ આવે છે. આ ટનલનું નામ ‘One Kiss Tunnel’ એવું રાખવામાં આવ્યું છે. આ ટનલની લંબાઈ લગભગ 35 મીટર જેટલી જ છે જેમાંથી પસાર થતાં ટ્રેનને લગભગ 20 થી 30 સેકન્ડ જેટલો સમય લાગે છે.
The RedWood Resort
માથેરાન ઉતરી અમે અગાથી બુક કરેલા The RedWood Resortમાં ગયા. આ હોટલ માથેરાન સ્ટેશનથી 5 મિનિટના અંતરે છે. અમે બે રુમ બુક કરાવ્યા હતા. એક રુમમાં 3 બેડ હતા. રુમમાં તમામ સુખ સુવિધા હતી. હોટલમાં સ્વિમિંગ પુલ પણ છે. થાક ઉતારવા હોટલ પર જઇને તરત જ અને સ્વિમિંગ પુલ ધુબાકા માર્યા. ત્યારબાદ રિસોર્ટમાં ચા-કોફી અને બ્રેકફાસ્ટ કર્યું. બ્રેકફાસ્ટમાં ઇડલી, સંભાર, બટાકા પૌવા, બ્રેડ બટર, ટોસ્ટ, ઇંડા, ચા-કોફી, જ્યૂસ, બાળકો માટે બોર્નવીટા હોય છે. અમે અહીં બે દિવસના 12000 રુપિયા ચૂકવ્યા. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડીનર, બપોરનો નાસ્તો સામેલ હતા.
માથેરાનની માટીની સુગંધ
બ્રેકફાસ્ટ કર્યા પછી અમે સાઇટસીન જોવા માટે રવાના થયા. અહીં લગભગ 38 પોઈન્ટ્સ છે પરંતુ એમાંથી જોવાલાયક તો 5-7 જ છે. અગાઉ જણાવ્યું તેમ અહીં નો વ્હીકલ ઝોન હોવાથી સાઇટ સીન જોવા માટે દરેક પોઇન્ટે ચાલીને જ જવું પડે છે. જે લોકો ન ચાલી શકે તે માટે ઘોડાની વ્યવસ્થા છે. માથેરાન ઇકો ફ્રેન્ડલી ઝોન હોવાથી કોઇપણ જાતના પ્રદુષણ ફેલાવતા વાહનોની મંજૂરી નથી. જેથી અહીંયા સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણમાં તમે કુદરતની નજીક રહી શકો છો. અમારે તો ખાસ જંગલ જોવું હતું એટલે પગપાળા જ જવાનું નક્કી કર્યું હતું. આમ પણ ઘોડા વિના માથેરાનના સુમસામ જંગલોમાં એકલા રખડવાની મજા જ અલગ છે.
પ્રથમ દિવસે અમે મિત્રો વન ટ્રી હિલ, લ્યૂઝિયા પોઇન્ટ, એડવર્ડ પોઇંટ, ઇકો પોઇંટ, મલંગ પોઇંટ, હનીમૂન પોઇંટ, એલેકઝેન્ડર પોઇંટ, રામબાગ, શાર્લોટ લેક અને સનસેટ પોઇન્ટ ફર્યા. અમે એક દિવસમાં લગભગ 7 કિલોમીટર ફર્યા. અહીં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જતાં પણ 10 થી 15 મિનિટ સતત ચાલવું પડે છે. સૌથી પહેલાં અમે માથેરાનના એકમાત્ર પાણીના સ્ત્રોત એવા Charlotte Lake પર ગયા હતા. આ તળાવ ખૂબ મોટું અને ઊંડું છે. અહીંની આજુબાજુનું દ્રશ્ય ખૂબ રમણીય છે. બાજુમાં જ એક ‘પિસારનાથ મહાદેવ મંદિર’ આવેલું છે જેનું શિવલિંગ લગભગ 250 વર્ષ કરતા વધુ જૂનું મનાય છે.
આ સિવાય બાજુમાં જ એક ‘લોર્ડ પોઈન્ટ’ આવેલો છે જ્યાંથી ખીણનો નજારો દેખાય છે. આ પછી અમે ECO પોઈન્ટ તરફ આગળ વધ્યા. અહીં એક ખીણ છે જે ત્રણ બાજુએ ઊંચા પર્વતોથી ઘેરાયેલી છે. તેથી ત્યાં જોરથી બૂમ પાડીએ તો અવાજ પડઘાય છે એટલે એનું નામ ECO પોઈન્ટ રાખવામાં આવ્યું હશે.
ચોમાસામાં માથેરાનની મુલાકાતનો અનુભવ યાદગાર બની જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય દ્રશ્યો અને વરસાદી ટીપાનું સંગીત રોમાંચક કરી દે છે. આસપાસના જળધોધને કારણે, જાણે આખો પર્વતીય વિસ્તાર, ગાઢ વનરાજી સજીવ બની ગઈ હોય એમ લાગે છે. બીજા દિવસે મંકી પોઇંટ, હાર્ટ પોઇંટ, પેનોરમા પોઇંટ, સૂર્યાસ્ત પોઇંટ, ખંડાલા પોઇંટ ફર્યા. સાંજે લોકલ માર્કેટ ગયા. અહીંના કોલ્હાપુરી ચંપલ વખણાય છે.
અમારામાંથી કેટલાક મિત્રોએ આ ચપ્પલની ખરીદી કરી. હોટલ પાછા આવ્યા ત્યારે એટલા બધા થાકી ગયા હતા કે ઘસઘસાટ ઊંઘ ક્યારે આવી તેની ખબર જ ન પડી. બીજા દિવસે સવારે ચેકઆઉટ હતું. સવારે વહેલાં ઉઠીને ફરી તૈયાર થઈ ગયા. ટોય ટ્રેનમાં બેસીને નેરલ અને ત્યાંથી વતનની વાટ પકડી. માથેરાનનું આ સંભારણું ક્યારેય ભુલાશે નહીં.
(સૌજન્યઃ દેવેશ ત્રિવેદી અને મિત્રોના અનુભવો)