હું અંગત રીતે બહુ દ્રઢપણે માનું છું કે કોઈ પણ કપલ જો ટ્રાવેલિંગમાં રસ ધરાવતું હોય તો તેમણે કોઈ નવી જગ્યા જોવાની એક પણ તક જતી ન કરવી જોઈએ. ભલે તે પછી કોઈ લક્ઝુરિયસ આઉટિંગ ન હોય. આફ્ટર ઓલ, ટુરિસ્ટ અને ટ્રાવેલરમાં ફરક હોય છે.
સામાન્ય રીતે સૌ લગ્ન પછી હનીમૂન પર તો જતાં જ હોય છે પણ વેવિશાળ પછી ગ્રુપ ટ્રેકિંગમાં જવાનું કોણ વિચારે? ઓગસ્ટના છેલ્લા રવિવારે અમારી એન્ગેજમેન્ટ હતી અને તેની પછીના રવિવારે અમે બંને જાંબુઘોડા-ચાંપાનેર ટ્રેકિંગમાં હતા. ચાલો, તમને પણ અમારી આ રસપ્રદ સફર વિષે થોડી વાત કરું.
અમારે રાત્રે ૧ વાગે અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે અમારા ગ્રુપને મળવાનું હતું અને ત્યાંથી ૨ વાગ્યા આસપાસ બસમાં ચાંપાનેર જવા નીકળવાનું હતું. અમે બંને માત્ર એક કપલ જ હતા, સાથે અમારા કોઈ મિત્રો નહોતા. ૨૫-૩૦ લોકોનાં ગ્રૂપમાં પણ એકબીજાનો સાથ હોય તો વધુ કોઈની શું જરુર? અમદાવાદમાં સેફટીનો કોઈ પ્રશ્ન નથી એટલે બંને રિક્ષામાં એલ. ડી. પહોંચી ગયા. ૨૦૧૮ માં મારી ઉંમર ૨૪ ની અને મારા હસબન્ડની, જે તે વખતે ફિયાન્સે હતા, ઉંમર ૨૩ વર્ષની જ હતી એટલે સૌને અમે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જેવા જ લાગતા હતા.
સવારે ચારેક વાગ્યાના સુમારે બસમાં પંકચર પડ્યું હતું એટલે અમે ૬ ની બદલે ૬.૩૦ વાગે ચાંપાનેર પહોંચ્યા. પાવગઢના ડુંગરથી થોડે દૂર આવેલા એક વિશાળ મેદાનમાં ટેન્ટ લગાવવાના હતા. મેં બે છોકરીઓ સાથે મારો ટેન્ટ લગાવ્યો અને મારા ફિયાન્સેએ ૨ છોકરાઓ સાથે. સગપણ નક્કી થતાં પહેલા અમે આ જ સંસ્થાના કોઈ ગ્રુપ સાથે જેસલમેર ડેઝર્ટ ટ્રેકિંગમાં ગયા હતા એટલે આ અનુભવ અમારા માટે નવો નહોતો.
ટેન્ટ ગોઠવી, ફ્રેશ થઈને અમે નાસ્તો કરવા ગયા. ખાવા-પીવાની વ્યવસ્થા તે જ મેદાનમાં ટેંટ્સથી થોડે દૂર કરવામાં આવી હતી. નાસ્તો પતાવીને અમે સૌ ચાંપાનેરની મસ્જિદ જોવા ગયા. અમે બંને મૂળ ભાવનગરના અને અમારી સાથે રાજકોટનું જ એક ૫ ૬ લોકોનું ગ્રુપ હતું. તે ગ્રૂપમાં પણ બે કપલ્સ હતા અને અમે ન્યુલી એન્ગેજડ કપલ હતા એટલે વધુ મજા પડતી હતી. ત્યાર પછી અહીંના કિલ્લાની મુલાકાત લીધી. મસ્જિદ તેમજ ચાંપાનેરનો કિલ્લો ઘણું જ પ્રાચીન આકર્ષક બાંધકામ ધરાવે છે. વિશાળ પરિસરમાં ફેલાયેલી આ બંને જગ્યાઓ ઘણી જ ભવ્ય છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસવાની ઘણી જ મજા આવે છે. આ બંને જગ્યાઓ જોઈને અમે ટેન્ટની જગ્યાએ પાછા આવ્યા અને બપોરનું ભોજન લીધું.
સાંજે ૪ વાગ્યા આસપાસ અમે નજીકમાં જ જાંબુઘોડામાં આવેલા એક પર્વતની મુલાકાત લીધી. બીજે દિવસે માખણિયો ડુંગર ચડવાનો જ હતો એટલે આ પર્વત પર બહુ વધારે ન ચડયા. પર્વત પરથી ચોમેર હરિયાળી ધરાવતું જંગલ તેમજ સામે માખણિયો ડુંગર- ખૂબ જ નયનરમ્ય લાગી રહ્યું હતું.
રાતનું ભોજન લઈને આખા ગ્રુપએ કેમ્પ ફાયરની મજા માણી. સવારે તો ટેન્ટ લગાવીને તરત ફરવા જ નીકળી ગયા હતા એટલે બધાનો પરિચય બાકી હતો. સૌએ પોતપોતાનો પરિચય આપ્યો અને ગેમ રમ્યા. સાથે ગરબા તો ખરા જ.
બીજા દિવસે અમે સૌ માખણિયો ડુંગર ચડવા ગયા. આ પર્વત ઘણો જ સ્લીપરી (લસરી જવાય તેવો) હોવાથી તેને માખણિયો ડુંગર કહેવાય છે. થોડો ઘણો ડુંગર અમે બંને સાથે ચડ્યા, પછી મને થાક લાગી રહ્યો હતો એટલે હું મારી ટેન્ટ-મેટ સાથે એક જગ્યાએ બેસી ગઈ અને મારો સાથી છેક ઉપર સુધી જઈ આવ્યો. વચ્ચે ત્યાં વરસાદ પણ પડ્યો હતો. વરસાદી માહોલ, ચારે તરફ વિશાળ જંગલ અને વચ્ચે ડુંગર પર અમે. અત્યંત રમણીય દ્રશ્ય હતું, એક યાદગાર અનુભવ!
એ જ દિવસે સાંજે અમે ચાંપાનેરથી નીકળીને રાતે અમદાવાદ પહોંચ્યા.
૨૦૨૦ માં અમારા લગ્ન થયા તે પછી સંજોગોવશાત અમે હનીમૂન પર તો ન જઈ શક્યા પણ વેવિશાળ પછી કરેલો આ બે દિવસનો નાનકડો પ્રવાસ ખૂબ જ સારો અનુભવ રહ્યો.
.