હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ હિન્દુની સાથોસાથ જૈન, બૌદ્ધ તેમજ શીખ ધર્મનું જન્મસ્થળ છે. વિવિધતામાં એકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત એવા આપણા દેશમાં આ તમામ ધર્મોના ખૂબ સુંદર અને આકર્ષક ધર્મસ્થળો આવેલા છે.
આ યાદીમાં શીખ ધર્મનું ધર્મસ્થળ એવા ગુરુદ્વારા પણ સામેલ છે. સામાન્ય માન્યતા એવી હોય શકે કે સારામાં સારા ગુરુદ્વારા માત્ર પંજાબમાં જ આવ્યા હશે, પણ એવું નથી. ભારતમાં વિવિધ જગ્યાઓએ આવેલા આ ગુરુદ્વારા ખૂબ જ અલૌકિક અનુભૂતિ કરાવે છે.
1. ગુરુદ્વારા હરમિંદર સાહેબ- અમૃતસર, પંજાબ
નિશ્ચિતપણે, નાનકડા સરોવરની વચ્ચે બનેલું સુવર્ણ મંદિર એ ભારતનું સૌથી પ્રસિદ્ધ, લોકપ્રિય ગુરુદ્વારા છે. શીખોના ચોથા ગુરુ રામ દાસ દ્વારા વર્ષ 1577માં નાનું સરોવર બનાવવામાં આવ્યું હતું અને 1604માં અર્જન દ્વારા વર્ષ ત્યાં વચ્ચે મંદિર બનાવીને હરમિંદર સાહેબના આદિ ગ્રંથનું સ્થાપન કર્યું. મુઘલો અને અફઘાનો દ્વારા અનેક વાર આ મંદિર પર આક્રમણ થયું પણ શીખો તેનું નવસર્જન કરતાં રહ્યા. 19 મી સદીમાં મહારાજા રણજીત સિંઘના શાસન દરમિયાન આરસનું મંદિર બનાવવામાં આવ્યું જેનો અમુક ભાગ સોનાથી મઢવામાં આવ્યો. તે પછી આ ગુરુદ્વારાને નવી ઓળખ મળી- સુવર્ણ મંદિર (Golden Temple).
2. બાબા અટલ સાહેબ ગુરુદ્વારા- અમૃતસર, પંજાબ
આ ગુરુદ્વારનું નિર્માણ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયું હતું. શીખોના ગુરુ હરગોવિંદ સિંઘના પુત્ર બાબા અટલની સ્મૃતિમાં આ નવ માળનું સુંદર ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. તેની ઊંચાઈ ઉપરાંત આ ગુરુદ્વારા તેના સુંદર આર્કિટેક્ચર માટે પણ જાણીતું છે.
3. તખત શ્રી દમદામા સાહેબ- ભટિંડા, પંજાબ
શીખો માટે ઘણા જ મહત્વના સ્થળોમાંનું એક. અઢારમી સદીની શરૂઆતમાં મુઘલો સામે ભીષણ સંઘર્ષ કર્યા બાદ ગુરુ ગોવિંદ સિંઘ ભટિંડા પાસે તળવાના જંગલોમાં આવ્યા હતા અને અહીં આશરો લીધો હતો. નવ મહિના અને નવ દિવસના રોકાણ દરમિયાન ગુરુ ગોવિંદ સિંઘે પોતે આદિ ગ્રંથનું પુનઃલેખન કર્યું હતું જેને ગુરુ ગ્રંથ સાહેબ કહેવાય છે.
4. બાંગ્લા સાહેબ ગુરુદ્વારા- દિલ્હી
દેશની રાજધાનીની વચ્ચે જ આ સુંદર ગુરુદ્વારા આવેલું છે. શીખોના આઠમા ગુરુ હર કૃષ્ણજી અહીં રોકાયા હતા, તેમની સ્મૃતિમાં સત્તરમીથી અઢારમી સદી વચ્ચે આ ગુરુદ્વારનું નિર્માણ થયું હતું.
5. તર્ણ તારણ ગુરુદ્વારા- પંજાબ
આ ગુરુદ્વારા સૌથી મોટું તળાવ ધરાવતું ગુરુદ્વારા છે. સરોવર અને બાંધકામની દ્રષ્ટિએ તો તે ખૂબ જ આકર્ષક છે જ, તે સિવાય અહીંનું આધ્યાત્મિક વાતાવરણ પણ શ્રદ્ધાળુઓનએ ખૂબ આકર્ષે છે. દર મહિનાની અમાસની તિથીએ અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.
6. મત્તાન સાહેબ ગુરુદ્વારા- જમ્મુ-કાશ્મીર
ગુરુ નાનક દેવના વિચારોથી પ્રભાવિત થઈને એક પંડિત દ્વારા બનાવવામાં આવેલું આ ગુરુદ્વારા જમ્મુ કાશ્મીરમાં આવેલું એક મહત્વનું ધાર્મિક સ્થળ છે. અનંતનાગ-પહેલગામ રોડ પર આવેલા આ ગુરુદ્વારાએ શીખો તેમજ હિન્દુઓ બંને ધર્મનાં લોકો સમાન આસ્થા સાથે દર્શન કરવા આવે છે.
7. તખત સચખંડ શ્રી હઝૂર અબચલનગર ગુરુદ્વારા- નાંદેડ, મહારાષ્ટ્ર
વર્ષ 1832થી 1837 દરમિયાન ગોદાવરી નદીના કિનારે મહારાજા રણજીત સિંઘ દ્વારા બનાવવામાં આવેલું આ ગુરુદ્વારા ભારતનાં સૌથી સુંદર અને આકર્ષક ગુરુદ્વારામાંનું એક છે. શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંઘે મહારાષ્ટ્રમાં આ જગ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા, તેની યાદમાં મહારાજે આ ખૂબ જ શાનદાર ગુરુદ્વારા બનાવ્યું હતું.
8. નાનક જીરા સાહેબ- બિડાર, કર્ણાટક
સૌથી વધુ ફ્રિક્વન્સી સાથે શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા હોય તેવું આ ગુરુદ્વારા છે. કર્ણાટકમાં આવેલા આ ગુરુદ્વારામાં વર્ષમાં ત્રણ દિવસે- હોળી, દિવાળી અને ગુરુ નાનક જયંતીના દિવસે પુષ્કળ ભીડ જોવા મળે છે.
9. શ્રી હેમકુંડ સાહેબ ગુરુદ્વારા- ઋષિકેશ, ઉત્તરાખંડ
યોગનગરી ઋષિકેશમાં આવેલું શ્રી હેમકુંડ સાહેબ ગુરુદ્વારા ભારતનાં સૌથી મનમોહક ગુરુદ્વારામાંનું એક છે તેમ કહી શકાય. સમુદ્રસપાટીથી 4000 મીટર ઊંચાઈ પર આવેલા આ ગુરુદ્વારાનો આકાર સ્ટાર જેવો છે. અતિશય ઠંડીને કારણે આ ગુરુદ્વારા ઓકટોબરથી એપ્રિલ દરમિયાન બંધ રહે છે.
10. તખત શ્રી પટના સાહેબ ગુરુદ્વારા- પટના, બિહાર
ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગુરુ ગોવિંદ સિંઘનો જન્મ હાલના બિહારની રાજધાની પટનામાં થયો હતો. તેમણે તો અમુક વર્ષો અહીં વિતાવ્યા જ, ત્યાર પછી ગુરુ તેગ બહાદૂરે પણ અહીં અમુક વર્ષો વિતાવ્યા હતા. મહારાજા રણજીત સિંઘે વર્ષ 1780માં આ સુંદર ગુરુદ્વારાનું નિર્માણ કરાવ્યું હતું.
.