તેની હવામાં જાદુ છે. તેની જમીન પર પગ મૂકતા જ એવું મહેસૂસ થાય કે આ દેશ અલગ છે. સકારાત્મકતાથી ભરપૂર. તે ફિલિંગ્સને પરિભાષીત કરવી અઘરી છે તેમ છતાં હું પ્રયત્ન કરીશ કે હિમાલયના પૂર્વ કિનારા તરફના આ બૌદ્ધ સામ્રાજ્યની તમને હુબહુ શેર કરાવી શકું.
હિમાલયની આગોશમાં આવેલા બે શકિતશાળી દેશો...ભારત અને ચીન. તેની વચ્ચે આવેલા ભુતાન સામ્રાજ્યમાં પોતાના મઠો અને કિલ્લા(Dzongs)ઓની અલાયદી દુનિયા છે. અકલ્પનિય લેન્ડસ્કેપથી વિંટળાયેલો, પ્રાકૃતિક મેદાનોથી લઈને દમામદાર પહાડો અને ઘનઘોર ઘાટીમાં ફેલાયેલો... વિશ્વના નકશા પર નાનકડા ટપકાં સમાન લાગતો આ પ્રદેશ હકીકતમાં એક મહાકાવ્ય છે અને સાથે- સાથે ચૂનૌતીપૂર્ણ પણ છે. માઈલ્સની જગ્યાએ ઊંચાઈના સંદર્ભમાં માપવામાં આવતા આ દેશમાં અગણિત ખૂબસુરત પહાડો છે. ફૂલોની રંગીન દુનિયા છે. અહીં આવીને થોડા દિવસ માટે તમે સ્વંયને ખોઈ નાંખો છો, ભીડ અને આધુનિકતાથી દુર...
પરંતુ આ ખૂબસુરત પ્રદેશમાં પ્રવેશતા પહેલાં તમારે બે દિવસની યાત્રા તો કરવી પડશે. ઓફકોર્સ, તે આરામદેહ તો નહિં જ હોય પરંતુ એકવાર તમે આ ધરતી પર પગ મૂકશો પછી એ થાક તો ક્યાંય ગાયબ થઈ જશે.
Lets go... ભુતાન પહોંચવા શું કરશો
ભારત, બાંગ્લાદેશ અને માલદીવના નાગરિકોને ભુતાન જવા માટે વિઝાની જરૂરત નથી, તેઓ માત્ર એન્ટ્રી પરમિટ લઈને આ દેશમાં દાખલ થઈ શકે છે. જો તમે હવાઈ રસ્તે સીધા જ ભુતાન જવા ઈચ્છો છો તો ભુતાનના પારો શહેરમાં આવેલા પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમે ડાયરેક્ટ લેન્ડ થઈ શકો છો. તમે ભારતના ઘણાં એરપોર્ટ પરથી પારોની ડાયરેક્ટ ફલાઈટ લઈ શકો છો, ત્યારબાદ તમારે પારો એરપોર્ટ પર પરમિટ માટેની પ્રોસેસ કરવાની રહેશે. ભુતાન પહોંચવાનો આ સૌથી સરળ, સલામત અને આરામદેહ માર્ગ છે. સાથે તમારા બે દિવસ બચાવે છે, પણ ડાયરેક્ટ પારો સુધીનું એરફેર મોંઘુ છે. જો જમીનમાર્ગે ભુતાનમાં જવા ઈચ્છતા હોવ તો ત્રણ સ્થળો પરથી તમે ભુતાનમાં પ્રવેશી શકો છો.
1. Phuentsholing ( Western Bhutan)
2. Gelephu ( Central Bhutan)
3. Samdrup Jongkhar( Eastern Bhutan)
અન્ય શહેરો કરતાં Phuentsholing (ફૂન્ટશોલિંગ)એન્ટ્રી પરમિટ માટે પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં આવતું શહેર છે. મેં પણ ત્યાંથી જ પરમિટ મેળવી હતી કેમકે આ વખતનો મારો આ પ્રવાસ Luxurious નહિં પણ તમામના ખિસ્સાને પરવડે તેવો હતો. ઈન્ડો-ભુતાન સરહદ પર ભુતાન એન્ટ્રીગેટની એક તરફ Phuentsholing( ફૂન્ટશોલિંગ) ટાઉન છે તો ભારત તરફનું ટાઉન છે Jaiganon. (અહીંથી સૌથી નજીકનું રેલવેસ્ટેશન હાશિમારા છે જ્યારે સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા છે.) ઘણાં સાહસિકો અને નેચર લવર્સ બાઈક્સ અને પોતાની કાર લઈને પણ ભુતાન આવે છે.
એની વે, મૂળ વાત કરીએ. તમારે સૌ પ્રથમ ભુતાનની બોર્ડર પર આવેલા Phuentsholing પહોંચવું પડશે પરંતુ અહીં પહોંચવા માટેનો રૂટ છે બાગડોગરા એરપોર્ટ. વેસ્ટ બંગાળના સીલીગુરી સ્થિત બાગડોગરા એરપોર્ટ ભુતાન અને સિક્કિમ જતાં પ્રવાસીઓથી ધમધમતું રહે છે. ગુજરાતી પ્રવાસીઓ જો દિલ્હીથી બાગડોગરાની ફલાઈટ લે તો સરળતા રહે. પરંતુ અહીં એ ખાસ ધ્યાન રાખજો કે તમારી ફલાઈટ દિવસના જેટલી વહેલી બાગડોગરા આવી જાય તેટલું હિતાવહ છે કેમકે બાગડોગરાથી જ તમારું ખરું ટ્રાવેલિંગ શરૂ થાય છે.
અમે આ પ્રવાસમાં કુલ પાંચ ફેમિલી મળીને 16 પર્સન હતા. બાગડોગરા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આગળના પ્રવાસ માટે મિની લકઝરી અમારી રાહ જ જોતી હતી. બપોરના લગભગ બે વાગ્યા હશે અને દિલ્હી એરપોર્ટ પર પીઝા, ઢોસા, નુડલ્સની જયાફત માણીને પ્લેનમાં બેઠા હતા તેથી હજી તો એકદમ તરોતાજા હતા અને સાથે ભુતાન પહોંચવાનો ઉત્સાહ એટલે થાકનું તો દુર દુર સુધી નામોનિશાન ન હતું. So, મિનિટોમાં તો અમારો લગેજ મિની લકઝરીના રૂફ પર લદાઈ ગયો અને અમે અમારી સીટ પર ગોઠવાઈ ગયા. અમારે બાગડોગરા એરપોર્ટથી હવે પહોંચવાનું હતું Phuentsholing... મેં આગળ કહ્યું તેમ, જે ભુતાનની બોર્ડર પર આવેલું નાનકડું ટાઉન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વસ્તીની દ્ષ્ટિએ Phuentsholing ભુતાનદેશનું સેકન્ડ લાર્જેસ્ટ સિટી છે. જેની કુલ વસ્તી 27,658 છે. અહીંથી તમારે ભુતાનની રાજધાની Thimphu(થિમ્ફુ) કે Paro (પારો) જવા Phuentsholingમાં આવેલી Immigration officeમાંથી સ્પેશ્યલ એરિયા પરમીટ મેળવવાની રહે છે, જે માટેની કોઈ ફી લેવાતી નથી. આ ઓફિસ સોમથી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 5.30( ભારતીય સમય મુજબ) વાગ્યા સુધી જ ચાલુ રહે છે અને બાગડોગરા એરપોર્ટથી Phuentsholing પહોંચવા માટે અમારે 166 કિલોમીટરનો રૂટ અને તે પણ સીંગલ ટ્રેક પર કાપવાનો હતો તેથી કોઈ પણ સંજોગોમાં સાંજના 8 વાગ્યા પહેલાં અમે Phuentsholing પહોંચવાના ન હતા. માટે પ્લાનિંગ મુજબ Phuentsholing શહેરમાં નાઈટહોલ્ટ રાખ્યો હતો અને તે પણ એન્ટ્રી ગેટથી માંડ 200 મીટરના અંતરે આવેલી હોટેલમાં...
બાય રોડ અમારો પ્રવાસ શરૂ થયો, પશ્ચિમ બંગાળમાં કુદરતી ખુબસુરતી છે પરંતુ ગીચ માનવ વસ્તી અને સફાઈના અભાવે તમને અહીંના માર્ગો પરથી પસાર થવાનું રૂચે નહિં. સાંજ થવા આવી હતી અને અને હવે અમને જરૂર હતી ગરમાગરમ કોફી અને ચ્હાની. પણ માર્ગમાં ક્યાંય સારી હોટેલ કે રેસ્ટોરન્ટ નજરે પડતી ન હતી છેવટે અમે એક મજાની જગ્યા શોધી જ કાઢી. તેનું નામ હતું ટી મુમેન્ટસ. ફૂલો, વેલો અને રંગબેરંગી કંદિલથી સજાવેલા ટી- હાઉસ પર અમે ઉતર્યા કે ગ્રીન-ટી અને કોફીની તીવ્ર છતાં મજેદાર સુંગધ અમને ઘેરી વળી. નાનકડી પડાળી જેવી જગ્યામાં ગોળાકાર ટેબલ-ખુરશી ગોઠવાયેલા હતા. લાઈવ સંગીત ચાલતું હતું. થોડા વિદેશી નાગરિકો અને થોડા લોકલ પીપલ ચ્હા, કોફી અને નાસ્તાને માણી રહ્યાં હતા. નાનું પણ લોભામણું હતું આ સ્થળ. તમે જ્યારે ફૂન્ટશોલિંગ જવા નીકળો ત્યારે માર્ગમાં ફ્રેશ થવા અવશ્ય અહીં રોકાજો. ટોસ્ટબ્રેડ અને કોફીની મજા માણી પાછા તરોતાજા થઈને અમે બસમાં ગોઠવાયા.
પશ્ચિમ બંગાળના ગીચોગીચ માર્ગોની વચ્ચેથી પસાર થઈને ફાઈનલી અમે રાત્રિના ઈન્ડો-ભુતાન સરહદેથી Phuentsholingમાં એન્ટર થયા અને સાથે જ ઠંડી અને શુધ્ધ હવા અમને વિંટળાઈ વળી. એકદમ સાફસુથરા, સલામત અને સરસ મજાના પાકા રસ્તા નજરે પડ્યા, તે પણ ટ્રાફિક વિનાના. વાતાવરણમાં અદભૂત બદલાવ હતો. ખાસ તો ભારતના 45-35 ડિગ્રી ટેમ્પરેચરથી સીધા 18-15 ડિગ્રીમાં આવી ગયા હતા. Phuentsholingની એક સ્થાનિક ટ્રેડિશનલ હોટેલમાં અમારા માટે શુધ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવામાં આવી હતી. દિવસભરના પ્રવાસ બાદ બધાએ રાહતનો દમ લીધો. મસ્તીથી ઉંઘ ખેંચી અને મોર્નિંગ બ્રેકફાસ્ટ લઈ સવારે 9 વાગ્યે તો Immigration office ખુલતાની સાથે જ ત્યાં પહોંચી ગયા. ખૂબ સરળતાથી અમારા ગ્રુપને ભુતાન પ્રવાસ માટે સાત દિવસની પરમિટ મળી ગઈ અને ત્યારબાદ શરૂ થયો અમારો સૌથી ખૂબસુરત પ્રવાસ. તેના વિશે વાત કરું તે પહેલાં મારે તમને કેટલીક અગત્યની જાણકારી અને ટીપ્સ આપવી છે જો તમે ભુતાન પ્રવાસ કરવા ઈચ્છતા હશો તો તે તમને ખુબ મદદરૂપ થશે. ભુતાન એન્ટ્રી ગેટથી બિલકુલ 50 મીટર દુર જ Phuentsholing Immigration office આવેલી છે.
પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ઓફિસ શનિવાર, રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં બંધ રહે છે. ઘણાં પ્રવાસીઓ આ ભૂલ કરે છે અને શુક્રવાર અથવા તો શનિવારે ફૂન્ટશોલિંગ આવીને ફસાય જાય છે. આ ઓફિસ સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. જે ભુતાનનો સમય છે.( ભારતીય સમય છે 9.30થી 5.30) તમારા પ્રવાસનું આયોજન કરતાં પહેલાં ભુતાનની જાહેરરજાઓ એકવાર ચેક કરી લેવાની રહેશે. ઉપરાંત આ ઓફિસ બપોરે 1થી 2 વાગ્યા સુધી લંચબ્રેક માટે બંધ રહે છે. બાકી પરમિટ મેળવવાની આ પ્રક્રિયા જરાય અઘરી નથી ખૂબ સરળ છે. તમે જાતે પણ મેળવી શકો છો. જો ટ્રાવેલ એજન્સી સાથે તમારું ટાઈઅપ હોય તો વધુ સરળતા રહે છે.
---પરમિટ માટે જે આવશ્યક ડોક્યુમેન્ટ છે તેમાં બે ફોટોગ્રાફ્સ, પાસપોર્ટ, વોટર આઈડીની એક કોપી તમારી સાથે હોવી જરૂરી છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે રાખવા વેરિફિકેશન માટે.
---મિનિમમ થ્રી સ્ટાર હોટેલમાં બુકિંગ હોવું જરૂરી છે અને તમારા પાસપોર્ટની ઓછામાં ઓછા છ મહિના સુધીની વેલિડીટી હોવી જરૂરી છે.
--- 18 વરસથી નીચેના બાળકોનો જો પાસપોર્ટ ન હોય તો તેઓનું બર્થ સર્ટિફિકટ અથવા માન્ય સ્કૂલ સર્ટિફિકેટ માન્ય ગણાય છે. અહીં આધારકાર્ડ માન્ય નથી.
---જો તમે પાસપોર્ટ કે વોટર આઈડી કાર્ડ લાવવાનું ભૂલી જશો તો તમારે Bharatiya Consulate, Jaigaon(ભારતીય કોન્સ્યુલેટની જયગાંવ) સ્થિત ઓફિસે જવું પડે છે. જ્યાં તમને Identification(ઓળખ) માટે એક સ્લીપ આપવામાં આવશે તે સ્લીપને લઈને તમારે પાછા ભુતાન પરમિટ ઓફિસે આવવું પડશે. આ ભાગમભાગમાં તમારો ઘણો સમય બગડી જશે માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવામાં ખાસ કાળજી લેજો.
---ક્યારેક જો અધિકારી સારા હોય તો આધારકાર્ડ ચલાવી લે છે પરંતુ તે અધિકારીની મરજી પર રહે છે. આગળ કહ્યું તેમ ભુતાન પરમિટના નિયમો મુજબ તમારે હોટેલ બુકિંગનું કન્ફર્મેશન પણ દર્શાવવું જરૂરી છે. જેથી હોટેલ બુકિંગના પ્રિન્ટ કે ઈ-મેઈલની માહિતી સાથે રાખજો.
---તમારી યાત્રા ક્યાંથી ક્યાં સુધીની રહેશે તેની એક કોપી પણ જમા કરાવવાની રહે છે.
--- અહીંથી માત્ર સાત દિવસની જ પરમિટ પ્રાપ્ત થાય છે અને તે પરમિટ પર તમે માત્ર ભુતાનની રાજધાની થિમ્ફુ અને પારો સુધીના પ્રદેશમાં જ ફરી શકો છો. જો તમે સાત દિવસથી વધુ સમય ભુતાનમાં રહેવા માંગતા હોવ અથવા તો થિમ્ફુ કે પારોથી આગળ જવા ઈચ્છતા હોવ તો પરમિટના Extension માટેની સુવિધા માત્ર થિમ્ફુમાં છે. થિમ્ફુ Immigration officeમાં સવારે 9થી સાંજે 4( ભુતાનના સમયનુસાર) સુધીમાં તમે તમારા ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દો અને એકાદ કલાકમાં તમને પરમિટ મળી જાય છે.
ફૂન્ટશોલિંગમાં પરમિટ માટે કેટલો સમય થાય છે...
માત્ર અડધો અને વધુમાં વધુ એક કલાક. ફોર્મ ભરીને ફોટો ચોંટાડી તમારે તેને પહેલા કાઉન્ટર પર જમા કરાવી દેવાનું. ત્યાં બેઠેલા ઓફિસર તમને માત્ર શા માટે ભુતાન જઈ રહ્યાં છો એટલું જ પૂછશે. થોડા સમય પછી તમારું નામ આગળના કાઉન્ટર પર બોલાશે. જ્યાં તમારા ફિંગર પ્રિન્ટ્સ લેવાશે અને તમારો એક ફોટો ખેંચવામાં આવશે. 10 મિનિટ પછી તમને પરમિટ મળી જશે.
ધ્યાન રાખજો સોમવાર અને શુક્રવારે વધારે સમય લાગે છે કેમકે શનિવાર અને રવિવારની રજા હોવાથી પરમિટ મેળવવામાં ભીડ વધારે રહે છે. જો તમે ભુતાનમાં પરમિટ વગર દાખલ થશો તો આર્મી અથવા તો પોલીસ તમારી અવશ્ય ધરપકડ કરે છે. બોર્ડરથી થોડેક જ દુર આર્મી ચેકપોસ્ટ છે. જ્યાં પરમિટ ચેક થાય છે. તેના પછી પણ દરેક ચેકપોસ્ટ પર પરમિટ ચેક કરવામાં આવે છે. થિમ્ફુ અને પારો સુધીની પરમીટ લઈને ત્યાંથી આગળ જવાની કોશિશ ન કરતા કેમકે આગળના માર્ગો પર પણ તેનું ચેકિંગ થાય છે. હંમેશા તમારી પરમિટ તમારી સાથે રાખવી. કેમકે Monastery(મોનાસ્ટ્રીઝ એટલે બુધ્ધ મઠ અથવા વિહાર) અને Dzong(જોંગ્સ એટલે કિલ્લા)માં તે ચેક થાય છે. જ્યારે પાછા ફરો ત્યારે તમે યાદગીરી રૂપે તમારી પરમિટનો ફોટો લેજો કેમકે તમારી પરમિટ ભારત પર ફરતી વખતે જે અંતિમ ચેકપોસ્ટ હોય છે ત્યાં જમા થઈ જાય છે.
એડવાન્સ પરમિટ પણ મળે છે...
તમે એડવાન્સમાં પણ પરમિટ લઈ શકો છો. ભુતાન હાઈકમિશનર ઓફિસ, દિલ્હી અથવા તો કોલકત્તામાં ભુતાન કોન્સ્યુલેટથી એડવાન્સ પરમિટ મેળવી શકાય છે. આ જગ્યાઓ પર એપ્લાય કર્યાના એક સપ્તાહમાં તમને પરમિટ મળી જાય છે. તમે ગ્રુપમાં જવાના હોવ તો માત્ર એક વ્યકિત પણ જઈને તે પરમિટ મેળવી શકે છે.
ઓનલાઈન પરમિટ
હાલમાં જ ભુતાન સરકારે હવે ઓનલાઈન પરમિટની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા માત્ર ભુતાનના રજિસ્ટર્ડ ટુર ઓપરેટર્સ અથવા તો ટીસીબી હોટેલ્સ દ્વારા જ મેળવી શકાય છે.
હા, સાથે એ વાતનો પણ ખ્યાલ રાખજો ભુતાનની સિંગલ કપલ ટ્રીપ કરવાનું ટાળજો. ગ્રુપ ટ્રીપ તમને જલશો કરાવી દેશે કેમકે આ પ્રવાસ ખૂબસુરતની સાથે સાથે સાહસિક પણ હશે. પુષ્કળ ટ્રાવેલિંગ રહેશે. ઓફકોર્સ ટ્રાવેલિંગ અદભૂત હશે કેમકે તમે રસ્તામાં જે દ્શ્યો જોશે તો કોઈ પણ પીકચર પરફેક્ટથી કમ નથી હોતા.
... બાય ધ વે, મારા પ્રવાસની વાત પર આવું. મારે Phuentsholingથી હવે પહોંચવાનું હતું ભુતાનની રાજધાની થિમ્ફુમાં. જે અહીંથી 147 કિલોમીટર દુર પહાડોની વચ્ચે વસેલી એક અદભૂત નગરી છે. પરંતુ જો સમય હોય તો Phuentsholing નજીક આવેલો ચુખા હાઈડ્રાપ્રોજેક્ટ જોવાનો ચૂકતા નહિં. આ ભુતાનનો સૌથી પહેલો પાવર પ્રોજેક્ટ છે. તે સિવાય Karbandi Monastery અને Zangto pelri Lhakhang અહીંના ધાર્મકિ સ્થળો છે. બાળકોને અહીંનું Amo Chuu Crocodile Breeding center આકર્ષે તેવું છે. જે તમને આ ક્રિએચરર્સને નજીકથી જોવાનો મોકો આપે છે. થોડું શોપિંગ પણ અહીં કરી શકો છો.
Phuentsholingના બૌદ્ધ મઢોના Positive Vibes સાથે લઈને ભુતાનની રાજધાની તરફ અમારો પ્રવાસ આગળ વધ્યો ત્યારે ખબર નહોતી કે ફૂન્ટોશોલિંગથી થિમ્ફુ સુધીની સફર આટલી મજેદાર બની રહેશે. આ 147 કિલોમીટર...અમારી જિંદગીના ખૂબસુરત પેરામીટર હતા. પહાડો ફાડીને વહેતા ધોધ, ઝરણાં, ફૂલોથી લદાયેલી વેલો પર ઝળુંબતા વાદળા, શાનદાર રાજસી પહાડો અને પ્રચુર ઘાટીઓના રસીલા વળાંકો...બધું જ અકલ્પનિય હતું. વિચાર્યું હતું તેના કરતાં વધારે શાનદાર હતું.
વાતાવરણમાં ઠંડક હતી જે ક્યારેક કોઈ ઘાટી કે પહાડમાંથી પસાર થતી વખતે તેની ચમરસીમાએ પહોંચી જતી હતી અને અમે વાદળોથી ઘેરાઈ જતા...થોડીવારમાં પાછા લીલીછમ ઘાટીઓના ઉઘાડમાં ખોવાઈ જતા. એ નાનકડી પરંતુ આરામદેહ લકઝરી બસની વિન્ડોમાંથી સ્પર્શતો પવન ખૂબ શીતળ હોવા છતાં મીઠો લાગતો હતો. ભુતાનના આ અલ્લડ સામ્રાજ્યને જોતા, વચ્ચે વચ્ચે બસ થોભાવીને ફોટો શુટ કરતાં આગળ વધતા હતા. બસમાં વાગતા હિન્દો ફિલ્મો ગીતોની અમૂક ધૂન તો જાણે અમે કોઈ ફિલ્મના પાત્રો હોય તેવી ફિલ અપાવી જતી હતી. સાંજ થવા આવી હતી અને દુર દુર દેખાતા પહાડો હવે અમારી એકદમ નજીક આવી ગયા હતા. ઠંડી વધી રહી હતી અને જોયું તો અમે ભુતાનની રાજધાની થીમ્ફુમાં પ્રવેશી ચૂક્યા હતા. પહાડોની આગોશમાં બેઠેલું આ શહેર તેના મકાનોની બાંધણી અને રંગરોગાનના કારણે હતું તેના કરતાં વધુ રંગીન લાગતું હતું. જાણે કુદરતના વિશાળ દિવાનખંડમાં સજાવેલું લોભામણું રાચરચીલું...
થિમ્ફુના પહાડી રસ્તાઓ અને તેના વળાંકો વચ્ચેથી શહેરની રોનક જોતા જોતા અમે અમારી હોટેલ તરફ આગળ વધી રહ્યાં હતા...બીજા દિવસની થિમ્ફુની સવાર સુંદર જ નહિં પરંતુ આધ્યાત્મિક અને ઓજસપૂર્ણ હતી તેની વાતો સાથે ફરી મળીશું... અહીં જ...