ભારતીયો જ્યાંના લોકોની સતત અવગણના કરે છે તેવા પૂર્વોત્તરના સાત રાજ્યો સદીઓથી ભારતભૂમિનું અભિન્ન અંગ રહ્યા છે. સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા આ સાત રાજ્યોમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ તેમજ ત્રિપુરાનો સમાવેશ થાય છે. પ્રવાસ-પ્રિય લોકોમાં આ રાજ્યો ખૂબ જ લોકપ્રિય છે.
પૂર્વોત્તરની બધી જ ટૂર્સની શરૂઆત થાય છે આસામથી. અંગ્રેજીમાં જેને ‘ગેટવે of નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા’ કહેવાય છે તેવું આસામ સાચે જ એક અનેરું રાજ્ય છે. દર વર્ષે પવિત્ર બ્રહ્મપુત્રા નદીના પ્રકોપનો ભોગ બનતા અને છતાંય સતત પ્રગતિશીલ તેવા આસામ વિષે અવનવી વાતો જાણીએ.
અહોમ રાજવંશ
પ્રાચીન સમયથી ભારતમાં અલગ અલગ પ્રાંતમાં આવેલા રાજ્યો પર અનેક રાજવી વંશોએ શાસન કર્યું. ત્યાર પછી મુઘલ અને પછી અંગ્રેજ આક્રમણકારોએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આસામના અહોમ રાજવંશે કુલ 600 વર્ષ સુધી આસામ રજવાડા પર શાસન કર્યું હતું જે ભારતનાં ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે. સદ્ભાગ્યવશ કોઈ પણ મુઘલ કે અફઘાન પણ આ રાજ્ય જીતી શક્યા નહોતા.
આસામના શિવસાગર નગરમાં આવેલું ‘રંગ-ઘર’ એશિયાનું સર્વ પ્રથમ એમ્ફિથિયેટર છે જે અઢારમી સદીમાં આ જ રાજવંશ દ્વારા બાંધવામાં આવ્યું હતું.
કામાખ્યા મંદિર શક્તિપીઠ
કુલ 51 શક્તિપીઠ પૈકી કામખ્યા મંદિર સૌથી અનેરું છે. શિવ તાંડવ થાયા પાછી સતિના શરીરના કુલ 51 ભાગ વિવિધ જગ્યાએ વિખેરાઈ ગયા તેમાં તેમની યોનિ આસામની આ જગ્યાએ પડી હતી. પરિણામે અહીં માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીઓને પણ દર્શન કરવા જવાની છૂટ છે.
નદી પર સ્થિત ટાપુ:
કુદરતી સુંદરતા જોવામાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આ એક ખાસ મુલાકાત લેવા જેવી જગ્યા છે. આસામમાં મજુલી એ માનવજીવન ધરાવતો વિશ્વનો સૌથી મોટો નદી પર બનેલો ટાપુ છે જ્યારે અહીં જ નજીકમાં આવેલો ઉમાનંદ ટાપુ એ વિશ્વનો સૌથી નાનો ટાપુ છે.
બિહુ:
આસામના મુખ્ય તહેવારની વાત આવે તો આપણે સૌ જાણીએ છીએ કે બિહુ એ આસામનો મુખ્ય તહેવાર છે. પણ શું તમે જાણો છો કે આ તહેવાર વર્ષમાં ત્રણ વખત ઉજવવામાં આવે છે? આસામમાં જાન્યુઆરી, એપ્રિલ તેમજ ઓકટોબર મહિનામાં બિહુની ઉજવણી થાય છે.
પુષ્કળ પાડોશીઓ:
ભારતમાં સૌથી વધુ 9 રાજ્યોનો પાડોશ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, પરંતુ આસામ સાત રાજ્યો અને બે દેશનો પાડોશ ધરાવે છે. આ રાજ્ય પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અને ત્રિપુરા જેવા રાજ્યોની રાજકીય તેમજ ભૂટાન અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.
કાઝીરંગા:
ભારતનાં પ્રમુખ નેશનલ પાર્કસમાંનું એક એટલે આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. આ નેશનલ પાર્ક ગેંડાના વસવાટ માટે જાણીતું છે. વિશ્વમાં ગેંડાઓની કુલ વસ્તીના ત્રીજા ભાગના, એટલે કે 2000 કરતાં પણ વધુ ગેંડાનું કાઝીરંગા ઘર છે.
ટી-ટીઝ:
આસામમાં ચાની ખેતી વચ્ચે ગોલ્ફના મેદાનો બનાવવામાં આવ્યા છે જેને ‘ટી-ટીઝ’ કહેવાય છે. ભારતમાં ગોલ્ફના મેદાનની શરૂઆત થઈ તે સમયે, એટલે કે 1829માં આ ગોલ્ફ-ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા હતા. તે સમયે આખા વિશ્વમાં માત્ર બ્રિટન અને ભારતમાં ગોલ્ફના મેદાનો હતા.
હવે તમે જ કહો, આસામ ખરેખર સાવ નિરાળું છે ને?
.