તિલસ્મી પહાડોની પાછળ કયાંક દુર સુરજ ડુબી રહ્યો હતો, ડુબતા સુરજના સોનેરી આવરણમાં લપેટાયેલું અંધારું ભુતાનની રાજધાની થિમ્ફુ પર ઊતરી રહ્યું હતું અને અમે પહાડોમાં બનાવાયેલા ધૂમાવદાર રસ્તાઓની વચ્ચે થઈને દુર પહાડી પર આવેલી એક સ્થાનિક હોટેલ પર આવી પહોંચ્યા. અમારા માટે અહીં રાત્રિ ભોજન તૈયાર થતું હતું. હવા અહીં ખૂબ પાતળી હતી અને વાતાવરણમાં પણ ખાસ્સી ઠંડક હતી. ફ્રેશ થઈ, ગરમવસ્ત્રો ચડાવી અમે સૌ એક લાંબા ડિનર ટેબલ પર ગોઠવાયા. અહીંની રેસ્ટોરન્ટમાં કે પછી એમ કહો આખી હોટેલમાં જ...બે-ચાર યુવકોને બાદ કરતા તમામ કામ માટે યુવતીઓ જ હતી, તે પણ માંડ 18થી 21 વર્ષની ઉંમરની. પણ અત્યારે આ બાબતે લાંબુ વિચારવાનો સમય ન હતો. જબરજસ્ત ભૂખ લાગી હતી. અમને કહેવાયું તમારા માટે ભુતાનની સ્પેશ્યલ ડિશ બનાવાઈ છે. બે મોટા બાઉલમાં તે સર્વ કરાઈ. પ્લેટમાં લઈને ટેસ્ટ કરતાં જ બધાના મોઢામાંથી જાણે આગ નીકળવા માંડી. ઓહો...આટલા મીઠા લોકો આટલું તીખું ખાય છે!!! ભુતાનની એ નેશનલ ડીશનું નામ છે Ema Datshi . ભૂતાનની Dzongkha ભાષામાં તેને ઈમા ડૈશી કહેવાય. ઈમા એટલે મિર્ચ અને ડૈશી એટલે પનીર. લીલા મરચાં, લાલ મરચાં કે પછી સફેદ મરચાં...( ગરમ પાણી અને તાપમાં સુકવીને તૈયાર કરેલા મરચાને અહીં સફેદ મરચાં કહે છે) મતલબ કે કોઈ પણ પ્રકારના મરચા અને તેમાં યાક કે ગાયના દુધમાંથી તૈયાર થયેલી ચીઝ અને પનીર નાંખીને આ વ્યંજન બનાવવામાં આવે છે. જેને સ્થાનિક લોકો રાઈસ સાથે ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને છડ્યા વિનાના બ્રાઉન કે રેડ રાઈસ અહીં વધુ ઉપયોગમાં લેવાય છે. પણ અમારા માટે તો તેમની આ ખાસ વાનગી ખાવી મુશ્કેલ હતી જ્યારે બુફે ડિનરમાં મુકાયેલા અન્ય વેજીટેબલ્સ કંઈક વધારે પડતા જ સાત્વિક હતા. તેથી તેની ફિકાસ દુર કરવા અમે તેમની આ સ્પેશ્યલ ડિશને પેલા વેજીટેબલ્સ સાથે મીક્સ કરીને અમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ડિનર તો પત્યું...સવારે 6 વાગ્યે ઉઠ્વાનું હતું તેની ચિંતામાં રૂમ પર પહોંચ્યા તો અમારો લગેજ થર્ડ ફલોર પર આવી ચૂક્યો હતો. હોટલમાં કામ કરતી પેલી કિશોરી જેવી ત્રણ યુવતીઓ અમને પૂછી રહી હતી કે કઈ રૂમમાં ક્યો લગેજ મુકવાનો છે? અમારો 16 વ્યકિતઓનો લગેજ...મીન્સ કે તેમના કરતાં ત્રણ ગણાં વજનની મસમોટી 48 બેગ્સ આ યુવતીઓએ એકલા હાથે ઉપર ચડાવી હતી અને તે પણ દાદરથી. મેં તમને આગળ કહ્યું તેમ અમે એટલી ઊંચાઈ પર હતા કે અહીં હવા ખૂબ પાતળી હતી અને બીજા માળ સુધી તમે ચડો ત્યાં તો તમને શ્વાસ ચડવા લાગે.
આ કહેવાનું મારું પ્રયોજન એટલું જ છે અહીં લોકો ખૂબ મહેનતુ તો ખરા જ પણ અહીંનું Pollution-less atmosphere, Simple food તથા નવ કલાકની પુરતી ઊંઘ તેમને એકદમ તંદુરસ્ત રાખે છે. આટલું જાણવા છતાંય અને વહેલાં ઉઠવાનું હોવા છતાં અમારાં ગ્રુપએ ઊંઘવાના બદલે થોડો સમય ગપ્પા માર્યા, બાળકો કાર્ડ્સ રમ્યા અને પછી ઊંઘ્યા.
થિમ્ફુની એ સવાર ત્યાંની ફલેવર્ડ ટી જેવી જ મજેદાર હતી. સવારના 6 વાગ્યામાં તો 10 વાગી ચૂક્યા હોય તેવું લાગતું હતું. હવે પેલા પહાડો વધુ નજીક તથા લીસા અને ચમકદાર લાગતા હતા. ફોટો ફ્રેમમાં મઢેલા હોય તેવા. અમારી યાત્રાનો આ ત્રીજો દિવસ હતો અને આશ્ચર્યોથી ભરેલી ભુતાનની રાજધાનીમાં અનેક માણવાલાયક સ્થળો હતા જેમાંથી પ્રમુખ સ્થળોની મુલાકાત હું તમને કરાવીશ. પણ તે પહેલાં થોડુંક થિમ્ફુ વિશે...
અમે થિમ્ફુની સહેલગાહે નીકળી ચૂક્યા હતા. ચારેકોર દેખાતા પહાડો, લોભામણી ઘાટીઓ અને એકદમ તાજી હવા કોઈના પણ મનને પ્રફુલ્લિત કરવા પૂરતી હતી. હિમાલયની પ્રચંડ પહાડી હારમાળા પરથી નજર હટાવીને મેં થિમ્ફુના રંગબેરંગી મકાનો પર નજર સ્થિર કરી. દરેક મકાન પર ખૂબ જ બારીકાઈથી ચિત્રકારી અને રંગકામ થયું હતું. મેં જોયું તો ...અહીંના મકાન, હોટેલ્સ કે પછી બૌદ્ધ મઠો... તમામ સ્થળોના બાંધકામમાં લાકડાનો વિશેષ ઉપયોગ કરાયો છે. કોઈ પણ બાંધકામમાં દિવાલો ઓછી અને લાકડાની કમાનદાર ફ્રેમથી મઢેલી બારીઓની હારમાળા વધુ હતી. પરંતુ એ વિન્ડો કાર્વિંગ જ જે-તે સ્થાનને વધુ આકર્ષક બનાવતું હતું. આછા અને ઘેરા બદામી રંગની સાથે સૂરજમુખી જેવો પીળો, ઘેરો કેસરી, લાલ, સફેદ, લીલો, ભૂરો કે પછી સોનાવરણો...આવા ચમકદાર અને ઉઘડતા રંગોથી લાકડાની બારીઓ-કમાનો પર કરાતું બારીક પેઈન્ટિંગ લાજવાબ હતું. ખાસ કરીને કોઈ પણ ઈમારતની દિવાલો અને રૂફની વચ્ચે વુડ કાર્વિંગથી છજા જેવા ભાગને થોડો બહાર કાઢવામાં આવ્યો હતો...જેમકે પહેલાંના સમયમાં ગઢની ઉપર કાંગરા બનતા હતા તેમ અહીં પણ ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ આવા કાંગરા બનાવવા કરાયો હતો અને તેના પર કરાયેલી પારંપારિક ચિત્રકારી જ આ પ્રદેશની બાંધકામ સંરચનાને બીજા પ્રદેશોના મકાનોની બાંધણી કરતાં નોખા પાડતી હતી. દરેક મઠોમાં પણ ઉઘડતા રંગોથી બનાવાયેલા ભીંતચિત્રોની આભાના કારણે તે વધારે જીવંત અને ઉર્જાવાન લાગતા હતા.
આવી લોભામણી કારીગરી, પ્રાકૃતિક સુંદરતા અને અનોખી સંસ્કૃતિમાં પનપતું થિમ્ફુ બૌદ્ધ સ્થળો માટે જાણીતું છે. અસંખ્ય રેસ્ટોરાં, કૈફે, નાઈટ કલબ અને શોપિંગ સેન્ટરની સાથે ભુતાનના આ સૌથી આધુનિક શહેરે પોતાની સાંસ્કૃતિક ઓળખ પણ બરકરાર રાખી છે. જાણે તેની હવામાં રહેલી આધ્યાત્મિકતાની ઉપસ્થિતિ બૌદ્ધ પરંપરાઓની સાથે મિશ્રિત થઈને અહીંના વાતાવરણને શાંતિથી ભરેલું રાખે છે. અહીં આધુનિકતા પહેરવેશ કે ખાનપાનમાં ઓછીને સિસ્ટમમાં વધારે છે. થિમ્ફુમાં ટ્રાફિક લાઈટ સિસ્ટમનો ઉપયોગ જ નથી થતો, રોડ ક્રોસ કરવા pedestrian ઝીબ્રા ક્રોસિંગનો જ ઉપયોગ કરે અને જ્યારે કોઈ પણ વ્યકિત રોડ ક્રોસ કરી રહી હોય ત્યારે ગમે તેટલું મોટું વાહન પણ કેમ ન હોય તે થોભી જાય છે. આટલી અદભૂત ટ્રાફિક સિસ્ટમ મેં દુબઈમાં પણ નથી જોઈ.
અહીંની વિરાસતમાં બુધ્ધ ડોરડેન્મા( Buddha Dordenma Statue)ની શાનદાર વિરાટકાય પ્રતિમા, તાશિચો મઠ અને રાજસી કિલ્લો (Tashichoo Dzong Monastery and fortress), રાષ્ટ્રીય સ્મારક ચોર્ટેન (National Memorial Chorten ), રાષ્ટ્રીય લોક વિરાસત સંગ્રહાલય ( National Heritage Museum) ,રાષ્ટ્રીય વસ્ત્ર સંગ્રહાલય ( National Textile Museum), ચેંગંગખા લખાખાંગ મઠ( Changangkha Lhakhang Temple), મોતીથાંગ તાકિન પ્રિઝવ( Motithang Takin Preserve) જેવા પર્યટક સ્થળો સામેલ છે ...મોટાભાગના પર્યટકો આધુનિક અને પ્રાચીન બંને પ્રકારના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળોની આસપાસ ફરતા જોવા મળે છે. જ્યારે સાહસિકોમાં ટ્રેકિંગ લોકપ્રિય છે. આ સ્થળો પર ફરો ત્યારે સિઝવાન ચટણી સાથે ગરમાગરમ મોમોસ અને ચ્હા-કોફીની લહેજત ઉઠાવવા જેવી છે. સ્થાનિક લોકો મોટા-મોટા થરમોસ અને કેસોરેલમાં ટુરિસ્ટ સાઈડ પર તેનું વેચાણ કરતા જોવા મળે છે. અહીં ફૂડ મોંઘુ નથી પરંતુ ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ ખૂબ મોંઘી છે. અહીં ભારતીય ચલણ અને ભુતાનના ચલણની કિંમત સરખી જ છે વળી અહીં ભારતીય ચલણ વપરાશમાં પણ છે તેથી બીજા દેશોની જેમ કરન્સી ચેઈન્જની ઝંઝટ નથી. હા, પરંતુ ભુતાનનો પ્રવાસ કરો તો 100, 200 અને 500ની નોટ લઈને જવી. 2,000ની આપણી નોટ તેવો ઘણી જગ્યાએ સ્વીકારતા નથી.
બીજું કે આ શહેર holds many surprises. હા, અહીં ઘણાં આશ્ચર્ય છુપાયેલા છે. આ એક એવો પ્રદેશ છે જ્યાં મરચાંને એક મસાલા તરીકે નહિં પરંતુ મુખ્ય પકવાન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ એવી બૌધ્ધ ભૂમિ છે જ્યાં બૌદ્ધ સંત તેમની દિવ્ય સાધના પછી પોતાના સ્માર્ટફોન પર ચેટ કરતાં જોવા મળે છે and where giant protective penises are painted beside the entrance to many houses. (અને અહીં કેટલાય એવા ઘરો છે કે જેના પ્રવેશદ્રાર અને ઘરની દિવાલો પર લિંગનું ચિત્રકામ કરેલું જોવા મળે છે. સ્થાનિક લોકો તેને સુરક્ષાત્મક માને છે.) તેમ છતાં આ પ્રદેશ પોતાની બૌદ્ધ પરંપરાઓની રક્ષા કરે છે. પ્રાચીન અને આધુનિકતાનું સંમિશ્રણ જ આ પ્રદેશને અત્યંત સકારાત્મક બનાવે છે.
અમારો પ્રથમ પડાવ આવી ચૂક્યો હતો. બુદ્ધા ડોરડેન્મા ટેમ્પલના પાછળના ભાગમાં જઈને અમારી મિની લકઝરી ઊભી રહી. ડોરડેન્માની આ પ્રતિમાને ગોલ્ડન બુદ્ધા સ્ટેચ્યુ પણ કહેવાય છે. આ વિશાળ અને મનોહર પ્રતિમા થિમ્ફુ ઘાટીમાં કુએનસેલ્ફોડૈંગ(એટલું વિચિત્ર નામ છે ને આ પાર્કનું) નેચરપાર્કમાં એક પહાડી પર સ્થિત છે. 100 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થયેલી 177 ફૂટ ઊંચી આ પ્રતિમા માટે કહેવાય છે કે તે સમગ્ર દુનિયામાં શાંતિ અને ખુશીની આભા ફેલાવવા માટે નિર્માણ પામી છે.
So, સોને મઢ્યું હોય તેવા લોટ્સ પર સ્થાપિત શાક્યમુનિ બુદ્ધની આ પ્રતિમા વિશેની વધુ વાતો સાથે ફરી મળીશું અહીં જ...