“અચ્છા ભૈયા આપ કા ફેમિલી પહેલે સે યહાં રહેતા હૈ? તો ફિર આપકે દાદા-પરદાદાને યે જેલ ભી દેખી હોગી.”
“જી મેમ. મેરે પરદાદા જેલ મૈ કેદી થે.”
“કયા બાત હૈ ભૈયા. યે તો બડે ગર્વ કી બાત હૈ. હમ સબ ઉનકે આભારી હૈ.”
આ સંવાદ ઘણો જ અસાધારણ છે. ક્યારેય કોઈ વ્યક્તિના કેદી હોવા માટે અને તેના પરિવારજનને મળીને ગર્વ અનુભવ્યો છે? અંદામાન દ્વીપસમૂહના પ્રવાસ દરમિયાન અમારા ડ્રાઈવરભાઈ સાથે ઉપરોક્ત વાતચીત થઈ હતી.
મેં નવેમ્બર 2016માં ફેમિલી સાથે અને જાન્યુઆરી 2021માં મારા હસબન્ડ સાથે અંદામાનનો પ્રવાસ કર્યો છે. ભારતનાં સૌથી સુંદર બીચ ધરાવતું અંદામાન પ્રવાસપ્રેમીઓનું એક અત્યંત પ્રિય ડેસ્ટિનેશન છે. મારા બે પ્રવાસ દરમિયાન મેં નોંધ્યું કે અહીં મોટા ભાગે કપલ્સ ફરવા માટે આવે છે પણ સાથોસાથ ફેમિલી, મિત્રોનું ગ્રુપ કે પછી સોલો ટ્રાવેલર્સ પણ ઘણી જ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે.
ભારતની મુખ્ય ભૂમિથી સેંકડો કિમી દૂર આવેલા અંદામાન પહોંચવા માટે સ્વાભાવિક રીતે જ સડક માર્ગ કે રેલવે માર્ગ ઉપલબ્ધ નથી. દરિયાઈ માર્ગ અને હવાઈમાર્ગ બે જ વિકલ્પો પ્રાપ્ય છે જે પૈકી મોટા ભાગના લોકો હવાઈમાર્ગે જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની રાજધાની પોર્ટ બ્લેર ખાતે આવેલા અહીંના એકમાત્ર એરપોર્ટનું નામ છે વીર સાવરકર એરપોર્ટ.
પોર્ટ બ્લેર ખાતે પ્રથમ દિવસનાં પ્રવાસમાં એકાદ બીચની સાથે સેલ્યુલર જેલનો પણ સમાવેશ થાય છે. આ સેલ્યુલર જેલ એટલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું સૌથી ભયાનક ‘કાળા પાણીની સજા’નું પ્રકરણ.
પાંચ વર્ષમાં બે વખત આ જેલની મુલાકાત દરમિયાન મને જે માહિતી મળી તે કદાચ હું કોઈ પુસ્તકમાંથી પણ મેળવી શકત, પણ ત્યાં જે અનુભવ થાય છે તે કોઈ જ પુસ્તક કે ઇવન કોઈ યુટ્યુબ વિડીયો પણ નથી કરાવી શકતો.
આ જેલ એક એવી જગ્યા છે જે શ્રેષ્ઠતમ દેશભક્તિ તેમજ તેમની ઉપર થતાં અવર્ણનીય દમનની સાક્ષી રહી છે. વર્ષ 1857 માં સ્વતંત્રતાનો પ્રથમ વિપ્લવ થયો તેના દસ જ વર્ષમાં અંગ્રેજોએ કેદીઓને અંદામાન મોકલવાની શરૂઆત કરવા માંડી હતી. ભારતની ભૂમિથી તે ઘણું જ દૂર આવેલું હોવાથી અંગ્રેજોએ આ વિકલ્પ અપનાવ્યો હતો. અહીંથી દેશભક્તો માટે ભાગી જવાને કોઈ અવકાશ જ નહોતો કેમકે હજારો કિમી સુધી અફાટ સમુદ્ર જ હતો. દેશભરમાં લોકો સ્વતંત્રતા મેળવવા લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા હતા. આ જોઈને અંગ્રેજ સરકારે અંદામાનમાં જ સેંકડો કેદીને સમાવી શકે તેવી ખૂબજ મોટી જેલનું નિર્માણ કરવાનું નક્કી કર્યું.
19મી સદીના છેલ્લા દાયકામાં આ જેલનું બાંધકામ શરુ થયું હતું જે 20 મી સદીના પ્રથમ દાયકામાં પૂરું થયું. વિધિની વક્રતા એ કે ભારતીય સ્વતંત્ર સેનાનીઓને અત્યંત આકરી સજા આપવા માટે તે સમયે પાંચ લાખ કરતાં વધુ ખર્ચે બની રહેલી સેલ્યુલર જેલનું નિર્માણ ભારતીય શ્રમિકો દ્વારા જ કરવામાં આવ્યું હતું.
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શીપ મારફતે અહીં લાવવામાં આવતા. એક કોટડીમાં એક કેદીને રાખવામાં આવતો. કેદીઓ પાસે પશુ કરતાંય વધુ કામની અપેક્ષા રાખવામાં આવતી અને જો નિયત કામ પૂરું ન થાય તો તેમને જમવાનું ન અપાતું. નારિયેળમાંથી તેલ કાઢવાનાં સાધનમાં સામાન્ય રીતે જ્યાં બળદ જોડવામાં આવતા ત્યાં કેદીઓને જોડવામાં આવતા. સહેજ પણ વિરોધ કરે તો જેલની વચ્ચે ઊભા રાખીને કોરડાઓ ફટકારતાં. મોટા ભાગનાં ક્રાંતિકારીઓ દેશપ્રેમના રંગે એવા રંગાયેલા હતા કે આ યાતના હસ્તે મોઢે વેઠી લેતા. વંદે માતરમ કે ઇન્કિલાબ ઝિંદાબાદ બોલવા પર ઔર માર પડતો પણ કોઈએ આ નારાઓને એમની જુબાન પરથી ક્યારેય દૂર કર્યા નહોતા.
આ જેલમાં હજારો નામી-અનામી ક્રાંતિકારીઓ કેદી બનીને રહ્યા હતા તેમાં સૌથી જાણીતું નામ એટલે વિનાયક દામોદર સાવરકર. વર્ષ 1909 માં સાવરકરને કાળા પાણીની સજા જાહેર થઈ ત્યારે તેમના ભાઈ ગણેશ દામોદર સાવરકર આ જેલમાં પહેલેથી જ સજા ભોગવી રહ્યા હતા. મોટાભાઇ ગણેશને પૂરા બે વર્ષ સુધી એ ખબર નહોતી કે તેમનો નાનો ભાઈ વિનાયક પણ આ જ જેલમાં કેદ છે. સાવરકરની કોટડી જાણીજોઇને એવી જગ્યાએ હતી જ્યાં નીચે જ ફાંસી-ઘર આવેલું હતું. ફાંસી માટે લઈ જતાં કેદીઓ રડતાં-કરગરતા એ સાવરકરને સંભળાય તેવું અંગ્રેજો ઇચ્છતા હતા.
કાળા-પાણીની સજા મોત કરતાં પણ બદતર સજા હતી.
સેલ્યુલર જેલ ફેબ્રુઆરી 1979માં ભારત સરકારે સેલ્યુલર જેલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી. આ જેલનાં પરિસરમાં દાખલ થતાં જ ડાબી બાજુએ એક ગેલેરી બનાવવામાં આવી છે જ્યાં આ જેલમાં કેદી રહી ચૂકેલા ક્રાંતિકારીઓના પુસ્તકના અંશો મુકવામાં આવ્યા છે. કેદીનાં વસ્ત્રો પણ યાદગીરી રૂપે અહીં સાચવવામાં આવ્યા છે. વિશાળ આંગણામાં વચ્ચોવચ કેદીઓને કોરડાં ફટકારાતા તેની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જેલની કોટડીઓ તેમજ તેલ કાઢવાનું સાધન, રસોઈ ઘર તેમજ ફાંસી ઘર પણ મુલાકાતીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
રોજ સાંજે 6 વાગે આ જેલ વિષે માહિતી આપતો એક લાઇટ એન્ડ સાઉન્ડ શો રજૂ કરવામાં આવે છે જેમાંનું એક વાક્ય મારા મનમાં કોતરાઈ ગયું છે: “પ્રકૃતિ સે ખીલે ખીલે અંડમાન કે ઇન ખૂબસુરત ટાપુઓ કો અંગ્રેઝોને એક ખૌફનાક નામ દિયા: કાલા પાની.”
આ જેલની મુલાકાતે પાષાણ હ્રદયનો માનવી પણ સમસમી જશે. હું નસીબદાર છું કે દેશનાં આ પવિત્ર તીર્થસ્થાને જવાનું મને 2 વાર સૌભાગ્ય સાંપડ્યું. માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર સર્વે ક્રાંતિકારીઓને શત શત વંદન.
जाने कितने झूले थे फाँसी पर,कितनो ने गोली खाई थी,
क्यो झूठ बोलते हो साहब, कि चरखे से आजादी आई थी...
.